ડાંગ, સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮ ૩૭૧૮૩ (whatsapp) જારી કરાયો
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્વારા અરજી અને ફરિયાદ કરી શકાશે
“આ પોર્ટલ ઉપર આજદિન સુધી ત્રણ હજારથી વધુ અરજીઓ મળી, અને ૨૩૦૦ થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ પણ કરાયો છે – મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી
સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રાજય સરકારના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ દ્વારા ડાંગ જિલ્લા સહિત સુરત, ભરૂચ, અને તાપી જિલ્લાના પ્રજાજનોની સમસ્યા, મુશ્કેલીઓ કે ફરિયાદ માટે એક હેલ્પલાઈન નંબર (whatsapp) ૮૧૭૧૮ ૩૭૧૮૩ જારી કરાયો છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનથી શરૂ કરવામાં આવેલી આ સેવાને અનુલક્ષીને મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંદેશ પણ પાઠવ્યો છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના જણાવ્યા અનુસાર આ નંબર/પોર્ટલ ઉપર આજદિન સુધી ત્રણ હજારથી વધુ અરજીઓ મળી છે. જે પૈકી ૨૩૦૦ થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં આ સેવાને વધુ સરળ બનાવી, ગામેગામ પહોચાડી શકાય તેવા અમારા પ્રયાસો રહેશે.
ભવિષ્યમાં ડાંગ, સુરત, ભરૂચ, અને તાપી સિવાયના સમગ્ર રાજ્યના લોકો સુધી આ ઓનલાઈન સેવાના માધ્યમ થકી પહોચવાની દિશામાં અમે કાર્ય કરી રહ્યા છે.
અરજી અને ફરિયાદ માટે જે વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં (૧) આદિજાતિ વિકાસ વિભાગ, (૨) વન અને પર્યાવરણ વિભાગ, (૩) ગ્રામ વિકાસ અને પંચાયત વિભાગ, (૪) ખેતી વિભાગ, (૫) સિંચાઈ વિભાગ, (૬) શ્રમ અને રોજગાર વિભાગ, (૭) શિક્ષણ વિભાગ, (૮) મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, (૯) આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, (૧૦) માર્ગ અને મકાન વિભાગ, (૧૧) એસ.ટી.નિગમ, (૧૨) પોલીસ વિભાગ, (૧૩) પશુપાલન વિભાગ, સહિત અન્ય વિભાગની ફરિયાદ પણ કરી શકાશે.
અરજી કરવાની પધ્ધતી
- સૌ પ્રથમ હેલ્પલાઈન નંબર પર whatApp દ્વારા “HI” મેસેજ કરવો,
- ત્યાર બાદ જે વિભાગમાં અરજી કરવાની થતી હોય, તે વિભાગ સામે આપેલો નંબર દાખલ કરવો,
- અરજદારનું નામ, સરનામુ, કયા જિલ્લા માટે અરજી કરવા માંગો છો, અરજીનો વિષય અને અરજીની વિગત દાખલ કરવી,
- આ મુજબ કરવાથી અરજીની નકલ અને અરજી નંબર મળશે,
- ત્યાર બાદ અરજદારની અરજી જે તે વિભાગમાં પહોંચી જશે,
- અરજી નંબરની મદદથી અરજદાર અરજીનું સ્ટેટસ જોઈ શકશે,