સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમ ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પહેલીવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદના પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમની સપાટી રૂલ લેવલથી હવે થોડે જ દૂર હોઈ ડેમમાંથી પાણી છોડવાનું શરૂ કરાયું છે.
ઉકાઈના ઉપરવાસમાં છેલ્લાં કેટલાંક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે ડેમમાં 60 હજાર ક્યૂસેકથી વધુ પાણીની આવક નિરંતર ચાલુ છે. તેથી ડેમ રૂલ લેવલ કરતા અડધાથી પણ ઓછા ફૂટ દૂર છે. રૂલ લેવલ જાળવવાના ઈરાદે ઉકાઈના તંત્ર દ્વારા ડેમના ચાર ગેટ 4 ફૂટ ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડવાનું આગોતરું પગલું લેવાયું છે.
ડિઝાસ્ટર કંટ્રોલ અને ઉકાઈ ડેમના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ડેમના ઉપરવાસમાં અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે. પાછલા 24 કલાકમાં પણ ઉપરવાસમાં વરસાદ યથાવત્ રહ્યો છે. ડેમના ઉપરવાસમાં આવેલા 51 રેઈન ગેજ સ્ટેશન પૈકી ચેરલીમાં 15 મિ.મી., નંદુરબારમાં 13 મિ.મી., ખેતીયામાં 14 મિ.મી., નિઝરમાં 17 મિ.મી., અક્કલકુવામાં 12 મિ.મી., ડોસવાડામાં 21 મિ.મી અને ઉકાઈમાં 16 મિ.મી, વરસાદ નોંધાયો છે.