સમય ક્રાંતિ ન્યૂઝ..
બારડોલી તાલુકામાં એક સગીરાને તેનાથી બે વર્ષ નાના તરુણ સાથે ઇન્સ્ટાગ્રામ પણ વાતચીત થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો. તરુણ સગીરાને મળવા તેના ગામ જતો હતો ત્યાં એક પડતર મકાનમાં તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધતાં સગીરા ગર્ભવતી થઈ ગઈ હતી. આ અંગે સગીરાની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના એક ગામમાં રહેતી વિધવા મહિલાની 17 વર્ષીય પુત્રીને માસિક નહીં આવતાં દવાખાને લઈ જતાં તેણીને સાડા ત્રણ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. આથી તેણીની માતાએ આ અંગે પૂછતાં તેણે જણાવ્યું હતું કે, પાંચેક માસ પહેલાં નજીકના એક ગામના 15 વર્ષીય તરુણ સાથે ઇન્સ્ટાગ્રામ પર ઓળખાણ થઈ હતી અને બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ પાંગળ્યો હતો. તરુણ સગીરાના ગામમાં લગ્ન પ્રસંગ કે પછી શુક્રવારે ભરાતા હાટ બજારમાં આવતો હતો અને તેઓ એકબીજા સાથે મળતા હતા.
તે દરમિયાન ગામની એક સોસાયટીમાં પડતર પડેલા મકાનમાં તરુણ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધ બંધતો હતો. સગીરાની ના હોવા છતાં તે બળજબરીથી તેણીને આપણે બંને સાથે જ રહીશું, હું તને મારી સાથે સારી રીતે રાખીશ એમ જણાવી લલચાવી ફોસલાવી શરીર સંબંધ બાંધતો હતો. જેના થકી જ ગર્ભ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આથી સગીરાની માતાએ સોમવારના રોજ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તરુણ વિરુદ્ધ પોક્સો એક્ટ અને બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.