સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના ડિંડોલી વિસ્તારમાં મધરાત્રે 22 વર્ષીય યુવકની હત્યાની સનસનીખેજ ઘટના બની છે. 22 વર્ષીય અંશ ઉર્ફે ગૌરવ નામના યુવકની મહાદેવ નગર નજીક હત્યા થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એક મહિના પહેલાં બારડોલીથી સુરત આવેલા અંશની સોમવારે મધરાત્રે હત્યા થઈ છે. અંશ આ અગાઉ બારડોલીમાં નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર હેઠળ હતો. સોમવારે મધરાત્રે કેટલાંક અજાણ્યા લોકોએ તેની પર જીવલેણ હુમલો કર્યો હતો. બૂમાબૂમ થતા સ્થાનિકો તેને બચાવવા દોડ્યા હતા.
જોકે, હુમલાખોરો પોતાના ઈરાદાને પુરા કરી ભાગી છૂટ્યા હતા. અંશને 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલ પહોંચાડાયો હતો. જોકે, તેને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.ડીસીપી ભગીરથ ગઢવીએ કહ્યું કે, ડિંડોલીના મહાદેવ નગર નજીક 22 વર્ષીય યુવકનું મર્ડર થયું છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. સીસીટીવી કેમેરા સહિત અન્ય જાણકારીની પણ તપાસ કરાઈ રહી છે.