સમય ક્રાંતિ ન્યૂઝ..
લાંચિયા લોકો સામે એસીબી સતત કામગીરી કરી રહ્યું છે, તેમ છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ભરૂચ જિલ્લાના ઉમલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ એસીબીના છટકામાં ઝડપાઈ ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદીની કાર્ટિગ ગાડીઓ ફરવા માટે લાંચ માંગી હતી.
જેની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા ટીમે લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો હતો.એક જાગૃત નાગરિક કાર્ટિગનો ધંધો કરતો હતો, જેમાં તેની 3 જેટલી ટ્રકો ખનીજ વહન માટે ચાલતી હતી. આ બાબતે ઉમલ્લા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસિંગ વસાવાએ કાર્ટિગનો વ્યવસાય કરનારની ટ્રક રોકી ડ્રાઇવર પાસે તેના માલિકને ફોન કરીને જણાવ્યું હતું કે, તમારી 3 ગાડીઓ ફરે છે. જેથી એક ગાડીના રૂપિયા 5 હજાર લેખે કુલ રૂપિયા 15 હજાર મહિનાના થાય છે. જે તમારે આપવા પડશે, જો તમે આ પૈસા નહીં આપો, તો તમારી ગાડી ફરવા નહીં દઉં તેવી ધમકી ઉચ્ચારી હતી. જેથી કરીને કાર્ટિગનો વ્યવસાય કરનારે ડ્રાઇવરને જણાવેલ કે, તું તેને 5 હજાર રૂપિયા આપી દે, કોન્સ્ટેબલ રાજેન્દ્રએ ડ્રાઇવર પાસેથી ઉમલ્લા નજીકની શ્રી રંગ હોટલ ઉપર ગુગલ પે કરાવી 5 હજાર રૂપિયા લઈ લીધા હતા, અને તેની બીજી ગાડીના રૂપિયા પણ જલ્દી આપવા જણાવી કાર્ટિગનો વ્યવસાય કરનાર ફરિયાદી પાસે રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરેલ હતી.