સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરમાં એકલ દોકલ મુસાફરને રીક્ષામાં બેસાડ્યા બાદ બેસવાનું ફાવતુ નથી કહી આગળ પાછળ ખસવાનું જણાવી નજર ચુકવી રોકડ રકમ, મોબાઈલ સહિતનો સરસામાનની ચોરી કરતી રીક્ષા ચાલક ટોળકીના ત્રણ સાગરીતોને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાથમિક પુછપરછમાં ટોળકીએ ત્રણ ગુનાની કબુલાત કરી છે. અગાઉ અનેક વખત પકડાય ચુકેલા ટોળકીમાંથી એક સાગરીત બે વખત પાસા પણ કાપી ચૂ્કયો છે. હાલ તો પોલીસે આ ટોળકીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરમાં અવારનવાર ઓટોરિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં ઠગબાજો બેસી એકલ દોકલ મુસાફરને પોતાનો શિકાર બનાવતા હોવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. આ દરમિયાન ગતરોજ સલાબતપુરા પીઆઇ બી.આર.રબારીની ટીમને આ ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે વખતે સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે ઓટો રીક્ષામાં ફરતા સિધ્ધાર્થ સંજય કાપુરે (ઉ.વ.૨૫.રહે,જગદંબાનગર સીઆરપાટીલ રોડ ડિંડોલી), મુસ્તુફા ઉર્ફે કાલીયા ફકીરા પઠાણ (ઉ.વ.૩૦. ભેસ્તાન આવાસ) અને શેહબાજ સેરખાન પઠાણ (ઉ.વ.૨૦.રહે, ભેસ્તાન આવાસ)ને ઝડપી પાડ્યા હતા.
પોલીસે ટોળકી પાસેથી રોકડા ૬ હજાર, અને એક કાળા કલરની બેગ કબજે કરી હતી. જે અંગે પુછપરછ કરતા એક રાહદારીને પેસેન્જર તરીકે રીક્ષામાં બેસાડી નજર ચુકવી ચોરી લીધા હોવાની કબુલાત કરતા ત્રણેય જણાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પુછપરછમાં ટોળકી સલાબતપુરાના એક અને ઉત્રાણના બે મળી ત્રણ ગુનાની કબુલાત કરી છે.
પકડાયેલા ત્રણેયનો ઇતિહાસ ગુનાઓથી ખરડાયેલો
આ મામલે સલાબતપુરા પીઆઇ બી.આર.રબારી એ જણાવ્યું હતું કે ઝડપાયેલા ત્રણેયનો ભુતકાળ ગુનાહિત છે. મુસ્તુફા ઉર્ફે કાલીયા સુરત ઉપરાંત અમદાવાદ અને રેલવે પોલીસમાં મળી ૧૦ વખત પોલીસના હાથે પકડાઈ ચુક્યો છે. તેમજ બે વખત પાસા પણ કાપી ચુક્યો છે. સિધ્ધાર્થ કાપુરે ડિંડોલી અને પાંડેસરામાં ત્રણ અને શેહબાજ પઠાણ સામે મહિધરપુરામાં એક ગુનો નોધાયેલો હતો.