સમય ક્રાંતિ ન્યૂઝ..
નાગરિકોના જીવન ધોરણ ઉંચા લાવવા માટે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૮માં વિકાસના અંતરાલોને દુર કરવા માટે દુરંદેશી વિચાર વ્યક્ત કર્યો અને સમગ્ર દેશભરમાં ૧૧૨ જિલ્લાઓ અને ૫૦૦ જેટલા બ્લોક્સ માં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી શાસન સુધારવા ઉમદા પ્રયાસ કર્યો હતો.
આજરોજ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવશ્રી કે.કે.નિરાલા (IAS) ના અધ્યક્ષ સ્થાને તાપી જિલ્લામાં સંપૂર્ણતા અભિયાન હેઠળ નિઝર અને કુકરમુંડા તાલુકાઓમાં માળખાગત સુવિધાઓ સહિત જુદા જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. તાપી જિલ્લામાં થયેલ કામગીરી અંગે ખુશી વ્યક્ત કરતા સચિવશ્રી નિરાલાએ જણાવ્યું હતું કે બીજા જિલ્લાઓની સરખામણીમાં તાપી જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે. નાના પાયાના કર્મચારીઓ અને વિવિધ વિભાગોના સંકલનથી નીતિ આયોગના સૂચકાંકને સિધ્ધ કરવા માટે ટીમ તાપીનો પ્રયાસ સરાહનિય છે. ગ્રામીણ ક્ષેત્રમાં આંગણવાડી કાર્યકર અને આશાવર્કર બહેનોની કામગીરી બિરદાવીને પ્રોત્સાહન આપવું જોઈએ.બાળવિવાહ ન થાય તે માટે સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરવો તેમજ જે પણ વિગતો હોય તે સચોટ રજુ કરવી જેથી ખરેખર થયેલી કામગીરી ઉજાગર થાય.આંગણવાડી કાર્યકરોનું દાયિત્વ છે કે બાળકોનું વજન અને ઉંચાઈ માં ચોકસાઈ રાખે.
કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ એ જણાવ્યું હતું કે શાળાઓમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મહિલાઓને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળી રહે તે માટે અમે સતત કાળજી લઈ રહ્યા છીએ. કન્યાઓમાં શિક્ષણ વધે અને બાળલગ્ન ન થાય તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે.
તાપી જિલ્લામાં સોશ્યલ ડેવલોપમેન્ટ માટે બેઝિક ઈન્ફ્રાસ્ટ્રકચર હેલ્થ સેન્ટરો ઉપર મેનપાવર વેકેન્સી નીતિ આયોગના ઈન્ડીકેટર મુજબ ૯૮ ટકા છે. જુન અંતિત કુકરમુંડામાં ૩૭૨ સગર્ભા મહિલાઓ અને નિઝરમાં ૪૦૨ સગર્ભા મહિલાઓને સો ટકા યોજનાકિય સહાય આપવામાં આવી છે.ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને સોઈલ હેલ્થકાર્ડ ની કામગીરી ચાલુ છે પી.એમ.કિસાન યોજનામાં ૨૬૬ લાભાર્થીઓના કે.વાય.સી.થઈ ગયા છે. કુકરમુંડામાં ૧૮૦ લાભાર્થીઓને મળી કુલ ૬૦ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. ગ્રામવિકાસ વિભાગ દ્વારા ૪૦ એસ.એચ.જી.જૂથોને રીવોલ્વીંગ ફંડ આપવામાં આવ્યું છે. ૨૪૨ જૂથોને કેશક્રેડિટ લોન આપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ,નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર,પ્રાયોજના વહીવટદારશ્રી રામનિવાસ બુગાલિયા સહિત શિક્ષણ,આરોગ્ય,ખેતી,મહિલા અને બાળવિકાસ,ગ્રામ વિકાસ વિગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.