સમય ક્રાંતિ ન્યૂઝ..
વાડિયા વિમેન્સ કોલેજની વિદ્યાર્થીનીએ અડાજણમાં 15માં માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. આજે સવારે કોલેજ જવા નીકળેલી વિદ્યાર્થીની સ્થાનિક વિસ્તારમાં આવેલી શિવ ડેવલપરની બિલ્ડિંગમાં પહોંચી ગઈ હતી અને ત્યાંથી પડતું મૂક્યું હતું. 20 વર્ષની દિકરીની આત્મહત્યાથી પરિવાર માથે આભ તૂટી પડ્યું છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઓલપાડના વતની ચેતનભાઈ પટેલ હાલ અડાજણ એલ.પી સવાણી સર્કલ પાસે આવેલ મહાલક્ષ્મી રો-હાઉસમાં પત્ની તેમજ પુત્રી દ્રષ્ટિ (20 વર્ષ) તેમજ પુત્ર સાથે રહે છે. તેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે. તેમની પુત્રી દ્રષ્ટિ અઠવા ગેટ પાસે આવેલી વાડિયા વિમેન્સ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે સવારે તેણી ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી. ત્યારબાદ તે સ્થાનિક વિસ્તારમાં આવેલ શિવ ડેવલપરની બિલ્ડિંગમાં 15માં માળે અગાસી ઉપર ગઈ અને તેણીએ ઉપરથી પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાને પગલે અડાજણ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, તેણીને માનસિક બિમારી હતી. જેની દવા પણ ચાલતી હતી.