સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જીલ્લા એટલે પ્રકૃતિના ખોળે વસવાટ કરતા જિલ્લો છે જેમાં દેવાલયો અને સુંદર ફરવાલાયક સ્થળો આવેલા છે. જીલ્લાના પૌરાણિક દેવાલયોમાં એક શિવમંદિર તાપી જીલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલું છે. એક સંતે નર્મદા નદીની પરિક્રમા કર્યા બાદ શિવલીંગની સ્થાપના કરી હતી એટલે આ શિવમંદિરનું નામ નર્મદેશ્વર મહાદેવ પડ્યું છે
આ મંદિર વ્યારા ના મુખ્ય માર્ગ એટલે કે સ્ટેશન રોડ પર આવેલ સોમિલ ની નજીક આવ્યું છે.અતિ પૌરાણિક નર્મદેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના નર્મદા નદીની પરિક્રમા કર્યા બાદ સંત મહાત્માએ કરી હતી. નર્મદેશ્વર મહાદેવના મંદિરે દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર રાજ્યમાંથી પણ ભાવિક ભક્તો ઉમટી પડે છે. મહાદેવના મંદિરે સાચી શ્રદ્ધા આસ્થાથી માગવામાં આવતી માનતા અચૂક પૂર્ણ થાય છે તેવી શિવભક્તોની અતૂટ માન્યતા છે.
આ પૌરાણિક મંદિરો સાથે ભક્તજનોની અતૂટ આસ્થા જોડાયેલી છે. 35 વર્ષ પહેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો અને આ જીર્ણોધ્ધાર કરવામાં માત્ર 40 દિવસનો સમય લાગ્યો હતો. મહાદેવના મંદિર પરિસરમાં આવેલા હનુમાનજી, રાધાકૃષ્ણજી અને માતાજી તેમજ મહાદેવજીના દર્શન કરી ભાવિકો અલૌકિક શાંતિનો અનુભવ કરે છે.
લોકવાયકા મુજબ વણઝારા સમાજના લોકો ફરતા ફરતા અહી આવ્યા હતા..
લોકવાયકા મુજબ વણઝારા સમાજના લોકો ફરતા ફરતા આ તપોભૂમિ પર આવ્યા ત્યારે ચાતુર્માસમાં અહિં રોકાણ કર્યુ અને વાવનુ નિર્માણ કર્યુ હતુ જે હાલ મંદિરના પ્રાંગણમાં આવેલી છે અને વણઝારી વાવના નામથી પ્રચલિત છે. જ્યારે મંદિર નાની દેરી હતુ ત્યારથી નિયમિત દર્શને આવતા ભાવિકોનું ભજન મંડળ મંદિરે ભજન અને હવન કરી વર્ષોથી મંદિરના વાતાવરણને ભક્તિમય બનાવી રાખે છે.
શિવલિંગની સ્થાપના આશરે 700 વર્ષ પહેલાની હોવાની માન્યતા..
લોકવાયકા મુજબ મોટા શિવલિંગની બાજુમાં આવેલા નાના શિવલિંગની સ્થાપના આજથી 700 વર્ષ પહેલા નર્મદા નદીની પરિક્રમા કરીને સંત દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં કેશવદાસ મહારાજની સમાધી બનાવવામાં આવી છે. કહેવાય છે કે કેશવદાસ મહારાજે નર્મદા નદીની પરિક્રમા કરી નર્મદેશ્વર મહાદેવજીના શિવલિંગની સ્થાપના કરી હતી. મંદિરમાં ગ્રહો પ્રમાણેના વૃક્ષો છે જેને પાણી ચડાવીને દરેક ભાવિકો પોતાની ગ્રહ દશાને સુધારી શકે તેવી માન્યતા છે.
નર્મદેશ્વર મહાદેવના મંદિકે દૂરદૂરથી ભાવિક ભક્તો શ્રદ્ધા આસ્થા સાથે મહાદેવના શરણે આવી મનોકામના માંગે છે અને મહાદેવજી ક્યારેય તેમના ભકતોને નિરાશ નથી કરતા. જેને પગલે નર્મદેશ્વર મહાદેવજીનું મંદિર લોકોમાં એક આસ્થાનો પ્રતીક બનવા પામ્યું છે. શ્રાવણ માસ અને શિવરાત્રીમાં મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે મંદિર પ્રાંગણમાં મેળાનો માહોલ જોવા મળે છે.અને અંતે એક ભજનની કડી યાદ આવી ગઈ છે જે આપના સુધી પ્રસ્તુત કરું છું..
શંભુ શરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો..
દયા કરી શિવ દર્શન આપો…
તમો ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા..
હુ તો મંદમતી, તારી અકળ ગતિ, કષ્ટ કાપો…
દયા કરી શિવ દર્શન આપો..