સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવેલ છે. જે અન્વયે તાજેતરમાં તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા સ્થિત ડો.શ્યામા પ્રસાદ ટાઉન હોલ ખાતે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષતામાં ચૂંટણી સબંધિત ઝોનલ ઓફિસરોની તાલીમ યોજાઇ હતી.
જેમાં ૧૭૧ વ્યારા(અ.જ.જા.)ના ૪૪ અને ૧૭૨-નિઝર (અ.જ.જા.) મત વિસ્તારના ૫૭ મળી કુલ ૧૦૧ ઝોનલ ઓફિસરોને તાલીમ અપાઇ હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગે સૌ ઝોનલ ઓફિસરોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થાય તેની જવાબદારી આપણા સૌની છે.તમામને પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે અને આત્મવિશ્વાસ સાથે કામગીરી પૂર્ણ કરવા ચૂંટણી પ્રક્રિયામાં ધ્યાન રાખવાની બાબતો અંગે જાણકારી આપી હતી. આ પ્રસંગે માસ્ટર ટ્રેનર તરીકે કેવીકેના ડો. સી. ડી. પંડયા દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી તમામ ચૂંટણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ચૂંટણી પુર્વે, ચૂંટણી દરમિયાન અને ત્યાર બાદ ધ્યાને લેવાની બાબતો, આદર્શ આચાર સંહિતા વિશે, ચૂંટણી પુર્વ સંધ્યાએ જરૂરી સ્ત્રોત તથા સામગ્રીઓ, મતદાન દિવસની જવાબદારી, ઇવીએમ મશીન, વીવી પેટ મશીનનો ડેમો અને જરૂરી બાબતો વિસ્તૃત સમજાવવામાં આવી હતી. આ તાલીમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એચ.ઝાલા, મદદનીશ ચૂંટણી અધિકારી અને વ્યારા પ્રાંત અધિકારીશ્રી પ્રિતેશ પટેલ, મદદનીશ ચૂંટણી અને નિઝર પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલ, મામલતદારશ્રી વ્યારા હિમાંશુ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા