સમય ક્રાંતિ ન્યૂઝ..
ભરૂચ પોલીસના ચકચારી જાસૂસીકાંડમાં છેલ્લા એક વર્ષથી ફરાર બુટલેગર પરેશ ઉર્ફે ચકો આખરે દમણમાંથી ઝડપાઇ ગયો છે. ભરૂચ પોલીસની ટીમે કબજો મેળવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ આરોપીના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ભરૂચ LCBના બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેની બાતમી ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ તેમજ વડોદરાનો પરેશ ઉર્ફે ચકો શના ચૌહાણને પહોંચડતાં હતાં.
ભરૂચ LCBના આ બંને કોન્સ્ટેબલોએ સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યાં હતાં જેનો ભાંડો ફૂટતાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પહેલાં LCBના બન્ને કોન્સ્ટેબલ તેમજ બાદમાં બુટલેગર નયન બોબડાની ધરપકડ કરી હતી. જોકે, પરેશ ઉર્ફે ચકો એક વર્ષથી વોન્ટેડ હતો.
દરમિયાનમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફે ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડયો હતો. બુટલેગર પરેશ ઉર્ફે ચકા વિરૂદ્ધ રાજ્યભરમાં 27થી ગુના નોંધાયેલાં છે. જે પૈકીના 6 ગુનાઓમાં તે બે વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો.
ભરૂચ પોલીસની એક ટીમ બુટલેગર પરેશ ઉર્ફે ચકાનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટ દ્વારા નવ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું DySP સી.કે.પટેલે માહિતી આપતા જણાવ્યું હતું. નવ દિવસના રિમાન્ડ દરમ્યાન હજુ વધુ ચોકવાનારી માહિતી બહાર આવે તેવી શક્યતા છે.