સમય ક્રાંતિ ન્યૂઝ..
ઉત્તરાખંડમાં (Uttarakhand) બુધવારે સાંજે હવામાન બદલાયું હતું અને ભારે વરસાદે (Rainfall) તબાહી મચાવી હતી. દરમિયાન ઉત્તરાખંડમાં ટિહરી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું હતુ. અહીં ટિહરીમાં 8 થી 10 વાહનો ધોવાઈ ગયા હતા અને 6 લોકોના મોત થયા હતા. તેમજ કેદારનાથમાં 200 ભક્તો ફસાયા હતા.
વિગતો મુજબ કેદારનાથની ફૂટપાથ પર ભીમ બલિના ગડેરામાં વાદળ ફાટ્યું હતું. ત્યારે ભારે પથ્થરોના કાટમાળને કારણે લગભગ 30 મીટરનો વૉકિંગ પાથ ક્ષતિગ્રસ્ત થયો હતો અને ફૂટપાથ પર અવરજવર બંધ થઇ ગઇ હતી, જેના કારણે ભીમ બલીમાં લગભગ 150 થી 200 શ્રદ્ધાળુઓ અટવાયા હતા. બીજી બાજુ ટિહરીના ઘંસાલીમાં ગડેરે ઓવરફ્લો થવાને કારણે રસ્તાની બાજુની એક રેસ્ટોરન્ટ અને 8 થી 10 વાહનો ધોવાઈ ગયા હતા. જેમાં રેસ્ટોરન્ટ સંચાલક, તેની પત્ની અને પુત્રનું મોત થયું હતું.
પ્રાથમિક તપાસમાં સામે આવેલી માહિતી મુજબ રુદ્રપ્રયાગમાં ઘણી જગ્યાએ કેદારનાથ ફૂટપાથ ધરાશાયી થઈ હતી. જેના કારણે યાત્રાળુઓને માત્ર કેમ્પમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું હતું. અહીં મંદાકિની નદીનું જળસ્તર વધવાને કારણે ગૌરીકુંડ અને સોનપ્રયાગમાં તપ્તકુંડ વિસ્તારમાં પાર્કિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ગંગોત્રી નેશનલ હાઈવે પર મુસાફરો ફસાયા
ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર નેતાલા અને બિશનપુર નજીક પહાડી પરથી કાટમાળ અને પથ્થરો ધસી પડ્યા હતા. જેના કારણે લગભગ બે કલાક સુધી રૂટ બંધ રહ્યો હતો અને 200 કાવડીયા અટવાયા હતા. ટિહરી જિલ્લા મુખ્યાલયથી 65 કિમી દૂર ભીલંગાણા વિકાસ બ્લોકના જખાન્યાલી ગામમાં મોડી સાંજે વાદળ ફાટ્યું હતું.