સમય ક્રાંતિ ન્યૂઝ..
સમાજમાં સહનશીલતા ઘટી રહી છે. નાનકડી વાતમાં લોકો અંતિમ પગલું ભરી લેતા હોય છે. આજે શનિવારે સવારે ડભોલી બ્રિજ પર એક મહિલા પતિ સાથે ઝઘડો થયા બાદ આપઘાત કરવાના ઈરાદે પહોંચી હતી, પરંતુ લોકો અને પોલીસની સતર્કતાના પગલે તે મહિલાનો જીવ બચાવી શકાયો હતો.
સુરત શહેરમાં આપઘાતના બનાવમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ધીરજ ખૂટતા લોકો આપઘાતનો રસ્તો અપનાવતા થયા છે. ત્યારે આજે પતિ સાથે અણ બનાવ થતા એક મહિલા સવારના સમયે ઘરેથી નીકળી ગઈ હતી. ડભોલી બ્રિજ પરથી તાપી નદીમાં કુદવા પ્રયાસ કરી રહી હતી.
પતિ સાથે છેલ્લા થોડા સમયથી મહિલાને અણ બનાવ ચાલી રહ્યા હતા. નાના નાના મુદ્દે ઝઘડા થઈ રહ્યા હતા. ત્યારે આ તમામ બાબતોથી કંટાળીને મહિલા આપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી. ડભોલી બ્રિજ પર જઈને તાપીના ધસમસતા પાણીમાં જીવન ટૂંકાવે તે અગાઉ બ્રિજ પર જ કોઈનું ધ્યાન ગયું હતું.પોલીસને જાણ થતાં જ સીંગણપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મહિલા સાથે વાતચીત કરીને તેને આપઘાત કરતા રોકી લીધી હતી. મહિલાએ પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જોકે પોલીસ મહિલાનો જીવ બચાવવામાં સફળ રહી હતી. બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.