સમય ક્રાંતિ ન્યૂઝ..
બાંગ્લાદેશમાં પ્રચંડ પ્રદર્શન અને હિંસા બાદ શેખ હસીના ભારત આવ્યા છે. સોમવારે તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હાલમાં હસીના કડક સુરક્ષા વચ્ચે ભારતમાં કોઈ અજાણ્યા સ્થળે છે. આ બધાની વચ્ચે અમેરિકાએ શેખ હસીનાને મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ અમેરિકાએ શેખ હસીનાના વિઝા રદ્દ કરી દીધા છે. આનો અર્થ એ થયો કે હસીના હવે અમેરિકા જઈને શરણ માંગી શકશે નહીં.
બાંગ્લાદેશની સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર ઢાકામાં અમેરિકી દૂતાવાસના એક અધિકારીએ આ મુદ્દે કહ્યું કે વિઝા રેકોર્ડ યુએસ કાયદા હેઠળ ગોપનીય છે. તેથી અમે વ્યક્તિગત વિઝા કેસોની વિગતોની ચર્ચા કરતા નથી. જો કે શેખ હસીનાની પાર્ટીના ઘણા સભ્યો અને અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
બ્રિટને પણ આંચકો આપ્યો
એવા સમાચાર હતા કે હસીના ભારતથી લંડન જવાના છે પરંતુ હવે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે. કારણ કે યુકે સરકારે સંકેત આપ્યો છે કે તેમને કોઈપણ સંભવિત તપાસ સામે યુકેમાં કાનૂની રક્ષણ મળી શકે નહીં. બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ સોમવારે લંડનમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં અભૂતપૂર્વ સ્તરની હિંસા અને જાન-માલનું દુ:ખદ નુકસાન જોવા મળ્યું છે અને દેશના લોકો આ ઘટનાઓની સંયુક્ત રાષ્ટ્રના નેતૃત્વમાં પૂર્ણ અને સ્વતંત્ર તપાસના હકદાર છે.