સમય ક્રાંતિ ન્યૂઝ..
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આગામી ગણેશ ઉત્સવ સંદર્ભે કેટલાક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવાયો
તાપી જિલ્લામાં દર વર્ષે ગણેશોત્સવની ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ જિલ્લામાં ગણેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાશે. આ ઉજવણી સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.આર.બોરડે કેટલાંક કૃત્યો પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામા મુજબ, શ્રી ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની ૦૯ (નવ) ફુટ કરતા વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ,શ્રી ગણેશજીની પી.ઓ.પી.ની મુર્તિઓ અને ફાયબરની મૂર્તિ બેઠક સહિતની ૦૫ (પાંચ) ફુટથી વધારે ઉંચાઇની બનાવવા, વેચવા, સ્થાપવા,જાહેર માર્ગ ઉપર પરિવહન કરવા અને નદી, તળાવ સહિતના કુદરતી જળસ્ત્રોતમાં વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ રહેશે. (પી.ઓ.પી./ફાઇબર/પ્લાસ્ટિકની મૂર્તિઓનું કૃત્રિમ રીતે બનાવેલ તળાવમાં વિસર્જન કરવાનું રહેશે.
કૃત્રિમ તળાવ બનાવેલ હોય તેવા ઇસ્યુ કરેલ પાસ સિવાયના અન્ય મૂર્તિઓનું વિસર્જન કરવું નહિં,મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી કરે છે તે જગ્યા તથા વેચાણ માટે રાખે છે તે જગ્યાની આજુબાજુ તથા નજીકમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા કે કોઇપણ પ્રકારની મૂર્તિ રોડ ઉપર જાહેરમાં ટ્રાફિકને અડચણ થાય તે રીતે ખુલ્લી રાખવા ઉપર અને શ્રી ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી તથા બનાવટ દરમ્યાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મુકવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
કોઇપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા અને સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ તમામ મંડપો બે દિવસ કરતા વધારે દિવસ સુધી રાખવું નહિં,નકકી થયેલ વિસર્જનમાં દિવસ બાદ કોઇપણ આયોજકે મૂર્તિનું વિસર્જન કરવુ નહીં, આયોજક દ્વારા પોતાની મૂર્તિને બિનવારસી રીતે છોડી દેવા પર પ્રતિબંધ રહેશે.
શહેરો કે નગરોના જાહેરમાર્ગો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રાફિક કે જાહેર વ્યવસ્થા શાંતિનો ભંગ થાય તેવી રીતે ગણપતિના મંડપ/પંડાલો ઉભા કરવા નહિં, વિસર્જન યાત્રામાં નકકી થયેલ ડેસીબલ કરતા વધુ અવાજવાળા ડી.જે.સાઉન્ડ, લાઉડ સ્પિકર વગાડવા નહિં, નકકી થયેલા રૂટ સિવાય દર્શાવેલ રૂટ સિવાય અન્ય રૂટ ઉપર વિસર્જન કરવા ઉપર પ્રતિબંધ, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ રહેશે.
તાપી જિલ્લા બહારથી મૂર્તિઓ લાવી વેચનાર મૂર્તિકારો તેમજ વેપારીઓએ પણ આ નિયમોને પાલન કરવુ પડશે. આ જાહેરનામાંનો અમલ તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી કરવાનો રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.