સમય ક્રાંતિ ન્યૂઝ..
સ્માર્ટ સિટી સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસના તકલાદી વહીવટને કારણે છાશવારે મુસાફરોથી માંડીને નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. યેન કેન પ્રકારે વિવાદનું કેન્દ્ર બનતી સિટી બસ ઘણી વખત નાગરિકો માટે સુવિધા કરતાં સમસ્યાનું કારણ વધારે બનતી હોય છે
આ પ્રકારે વધુ એક વખત અડાજણ ખાતેથી પસાર થતી સિટી બસ અચનક બંધ થઈ જવા પામી હતી. જેને કારણે તેના એન્ટ્રી અને એક્ઝીટ ગેટ પણ લોક થઈ જવા પામતાં બસમાં સવાર મુસાફરોની હાલત કફોડી થવા પામી હતી. નાછૂટકે મુસાફરોને ડ્રાઈવરના ગેટમાંથી બહાર નીકળવાની ફરજ પડી હતી. બીજી તરફ આ દ્રશ્ય જોનારા વાહન ચાલકો અને રાહદારીઓ પણ મહાનગર પાલિકાની બસ સુવિધા પર અટ્ટહાસ્ય કરતાં નજરે પડ્યા હતા.શહેરમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાના આંધણ છતાં સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ સેવામાં ભારે અનિયમિતતાથી માંડીને અસુવિધા સહિતની સમસ્યાઓની છાશવારે ફરિયાદો ઉઠવા પામતી હોય છે. આટલું ઓછું હોય તેમ છાશવારે ચાલકો દ્વારા સર્જવામાં આવતાં અકસ્માતોને કારણે પણ જાહેર પરિવહનની આ સુવિધા યમદુત સાબિત થઈ ચુકી છે.આ સ્થિતિ વચ્ચે આજે સવારે અડાજણમાં વૃષભ ચાર રસ્તા ખાતેથી પસાર થઈ રહેલ સિટી બસ અચાનક ખોટકાઈ જવા પામી હતી. જેને કારણે બસ ચાલક દ્વારા ભારે પ્રયાસો કરવા છતાં બસ ચાલુ ન થતાં બસમાં સવાર મુસાફરોએ બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બસના દરવાજાઓ સેન્ટ્રલી લોક થઈ જતાં એક તબકકે મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો.
જો કે, ભારે જહેમત બાદ એક પછી એક તમામ મુસાફરોને બસ ચાલકની કેબિનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આ કવાયત દરમિયાન વૃદ્ધ મુસાફરોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નવાઈની વાત એ છે કે, શહેરમાં દોડતી તમામ સિટી બસ અને બીઆરટીએસ બસોનું નિયમિત ચેકિંગ કરવામાં આવતું હોવા છતાં આ પ્રકારની ઘટના સર્જાતાં લોકોમાં પણ કૌતુહલ સર્જાયું હતું. સદ્નસીબે આ બસમાં જો કોઈ આગ જેવી દુર્ઘટના સર્જાવા પામી હોત તો મુસાફરોની હાલતની કલ્પના કરીને કંપારી છુટી જાય તેમ છે.