તિરંગા રેલીમાં એકલવ્ય રેસીડેન્સીયલ મોડેલ સ્કૂલ ઉકાઈના વિદ્યાર્થીઓ જોડાયા
સમય ક્રાંતિ ન્યૂઝ..
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશની આન, બાન, શાન એવા તિરંગાના સન્માનમાં તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ સ્ટેશન અને એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ઉકાઈના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા અને બાઈક રેલી યોજાઈ હતી.
ઉકાઇ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ. ડી. પ્રજાપતિના નેતૃત્ત્વમાં ઉકાઈ પોલીસના જવાનોએ બાઈક રેલીના માધ્યમથી તિરંગા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આ તિરંગા યાત્રા ઉકાઈ ટાઉનમાં ફરી હતી. “ભારત માતા કી જય” ના નારા સાથે પ્રારંભાયેલી તિરંગા યાત્રામાં નાગરિકોએ પણ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી. આ તિરંગા યાત્રાથી ઉકાઈ ટાઉનનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું.
એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ઉકાઈ શાળાના વિદ્યાર્થીઓ તથા એસ.પી.સી. ના કેડેટ્સમાં દેશભક્તિની ભાવના કેળવવાના ઉમદા આશય સાથે પોલીસ વિભાગના માર્ગદર્શનમાં યોજાયેલી વિદ્યાર્થીઓની તિરંગા રેલીનું નેતૃત્વ વિદ્યાર્થીઓની બેન્ડ પાર્ટીની ટુકડીએ કર્યું હતું.જેમના તાલે તાલ મિલાવીને શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ અને દેશભક્તિની ભાવના સાથે તિરંગા રેલીમાં જોડાયા હતા.