સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા પંચાયત હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતિ પટેલના અધ્યક્ષ સ્થાને“વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૪નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો
ભારત સહિત વિશ્વભરમાં તા. ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “વિશ્વ સ્તનપાન સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે તાપી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ખ્યાતિ પટેલના અધ્યક્ષ સ્થાને “વિશ્વ સ્તનપાન સપ્તાહ ૨૦૨૪”નો ઉદ્દઘાટન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે ઇંચા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ખ્યાતિ પટેલ દ્રારા જણાવવામાં આવ્યુ હતું કે, જન્મ બાદ છ માસ સુધી બાળક માટે સ્તનપાન ખુબ જ જરૂરી છે. કામ કરતી મહિલા હોય કે પછી ઘરકામ કરતા બહેનો હોય તેઓએ છ માસ સુધી બાળકને ફકત સ્તનપાન આપવું જોઇએ. માતાનું દૂધ એક સંપૂર્ણ આહાર છે, જેમાં બાળકની જરૂરિયાતના તમામ પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં મળી રહે છે.
મેડીકલ ઓફિસરશ્રી અનિષા ગામીત દ્રારા સ્તનપાન ફાયદા વિશે અને લોકોમાં સ્તનપાનને લઇને જાગૃતતા લાવવા માટે અપિલ કરી હતી. તેમજ સભાખંડમાં ઉપસ્થિત મહિલાઓએ સ્તનપાન બાબતના પોતાના અનુભવો રજુ કર્યા હતા.
આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસરશ્રી તન્વી પટેલ દ્રારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહૂતી વ્યારા ઘટક -૧ ના સીડીપીઓશ્રી જેસ્મીનાબેન દ્રારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિવિધ શાખાના સ્ટાફ,નર્સ બહેનો, આશા વર્કર, આગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.