સમય ક્રાંતિ ન્યૂઝ..
સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ બસ માટે બનાવવામાં આવેલા કોરીડોરમાં ઘસી જતાં વાહન ચાલકોને લીધે છાશવારે અકસ્માત સર્જાતા હોય છે. આજે વધુ એક વખત પાંડેસરામાં બીઆરટીએસ કોરિડોરમાં ઘુસેલી કારને બસે ટક્કર મારતાં ભારે હોબાળો મચ્યો હતો. જો કે, દુર્ઘટનામાં કોઈને ઈજા ન પહોંચતાં વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
શહેરમાં ગરીબ – શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદ રૂપ બીઆરટીએસ અને સિટી બસની સુવિધા યેન કેન પ્રકારે વિવાદનું ઘર બનતી હોય છે. જો કે, ઘણી વખત શહેરીજનો અને વાહન ચાલકોની લાપરવાહીને કારણે આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. આજે પણ પાંડેસરામાં ચીકુવાડી પાસે પીક અવર્સને પગલે ભારે ટ્રાફિકથી બચવા માટે બીઆરટીએસ લેનમાં ચાલકે કાર હંકારી મુકી હતી. બીજી તરફ પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસના ચાલક દ્વારા કાર સાથે અકસ્માત સર્જાતાં લોકોનું ટોળું ઘટના સ્થળે એકઠું થઈ ગયું હતું. જો કે, આ દુર્ઘટનામાં કાર ચાલકને કોઈ ઈજા ન પહોંચતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.