સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી રૂ.૫.૨૨ કરોડની ગાય નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવાઈ
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના આશય સાથે ખેડૂતોને વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ રૂ ૧.૧૧ કરોડની સહાય
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે “આત્મનિર્ભર ખેડુતો અને સ્વાવલંબી ખેતી દ્વારા આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવા” આહવાન કર્યું છે ત્યારે તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતો જિલ્લાને આત્મનિર્ભર બનાવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આત્મા વિભાગ ખેતીવાડી, બાગાયત,પશુપાલન વિભાગ સહિતના અન્ય વિભાગો દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટેના અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ,ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરવા તાપી જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે એક નવો આયામ રચી રહ્યા છે
પ્રાકૃતિક ખેતીએ આત્મનિર્ભર ભારત બનાવવાનું પ્રથમ પગલું છે. અને તેમાય દેશી ગાયનો મહત્વનો ફાળો રહ્યો છે.ગાય આધારિત ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ બિલકુલ થતો નથી, તેથી તે ખૂબ જ ઓછા ખર્ચે થતી ખેતી છે. ખેડુતો આજે પ્રાકૃતિક ખેતી કરતાં થાય તે માટે સરકારશ્રી દ્વારા દેશી ગાયના નિભાવ માટેની યોજના અમલમાં મુકી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રતિ માસ રૂપિયા ૯૦૦ પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય આપવામા આવે છે. ત્યારે તાપી જિલ્લામાં અત્યાર સુધી ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫.૨૨ કરોડ ગાય નિભાવ ખર્ચની સહાય ચુકવવામાં આવી છે.
જ્યારે વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન તાપી જિલ્લાના ૧૦૩૮ ખેડૂત લાભાર્થીઓને રૂ. ૫૬.૦૫ લાખનો પ્રથમ હપ્તો તેમજ ૧૦૨૩ ખેડૂત લાભાર્થીઓને રૂ ૫૫.૨૪ લાખના બીજા હપ્તા ચૂકવણી સહિત કુલ ખેડુતોને કુલ રૂ ૧.૧૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
રાજ્યના ખેડૂતો સહિત તાપી જિલ્લાના ખેડુતો પણ પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારે તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. પ્રાકૃતિક ખેતી એટલે ગાયના ગોબર અને ગૌમૂત્ર દ્વારા ઓછા ખર્ચે પાક વૃદ્ધિ અને ઉત્પાદન વધારવા માટે કરવામાં આવતી ખેતી. જેના માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં નવી યોજના બહાર પાડવામાં આવેલ હતી. જેમાં દેશી ગાય માટે સહાય આપવાની યોજના પણ સામેલ છે.