સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના પાલ વિસ્તારમાં ઉગત કેનાલ રોડ પર નક્ષત્ર સોલિટેડ બિઝનેસ પ્લાઝામાં આવેલ હેર સલૂનની દુકાન અને પાનના ગલ્લાને ગત રોજ અજાણ્યા ચોર ઈસમો એ નિશાન બનાવ્યો હતો. બંને દુકાનના તાળા તોડી તસ્કરો હેર સલૂનની દુકાનમાંથી રૂપિયા 88,000 અને પાનના ગલ્લામાંથી રૂપિયા 8000 તથા સિગરેટના પેકેટની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર હેર સલૂનના માલિકે તમામે ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે અજાણ્યા ચોર ઈસમ સામે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે ઉગત કેનાલ રોડ પર અવધપુરી સોસાયટીમાં રહેતા 20 વર્ષીય સેહબાજ મહેબુબ અહેમદ અનસુરી કેનાલ રોડ પર નક્ષત્ર બિઝનેસ પ્લાઝામાં વેસ્ટન લુક નામની હેર સલોની દુકાન ધરાવે છે. ગત તારીખ 8/4/2024 ના રોજ રાત્રે 2:45 વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઈસમોએ તેમની દુકાનના શટલના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં દુકાનમાં ખાનામાં મુકેલા છેલ્લા એક મહિનાની આવકના રોકડા રૂપિયા 87,700 ની ચોરી કરી લીધી હતી.
એટલું જ નહીં પરંતુ બાદમાં આ તસ્કરોએ તેમની બાજુમાં આવેલ ધર્મેન્દ્ર કુમાર લક્ષ્મી શંકર દુબેની બનારસી પાન નામની દુકાનને પણ નિશાન બનાવ્યો હતો. તેમની દુકાનના શટરનું પણ તાળું તોડી દુકાનમાંથી રોકડા રૂપિયા 8000 અને અલગ અલગ કંપનીના સિગરેટના પેકેટ ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનાર સેહબાઝે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.