સમય ક્રાંતિ ન્યૂઝ..
…………..
વરસાદ, ડેમમાં પાણી અને રોડ-રસ્તાની સ્થિતિ અંગે સર્વગ્રાહી સમીક્ષા કરી
………………..
વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની મુખ્યમંત્રીશ્રી એ સૂચના આપી:-પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ
………………..
રાજ્યમાં આજ સાંજના ૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ
………………………..
રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ : રાજ્યના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ
………………………..
સવારના ૬ થી સાંજના ૬ વાગ્યા સુધીમાં આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં સૌથી વધુ ૩૫૪ મી.મી.વરસાદ
………………………..
હવામાન વિભાગ દ્વારા તા.૨૪ થી ૨૮ જુલાઇ-૨૦૨૪ સુધી માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના
સરદાર સરોવર ડેમમાં ૧,૮૨,૪૪૪ એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ : કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૬૧ ટકા
રાજ્યના ૪૬ ડેમ ૧૦૦ ટકા ભરાયા : ૫૧ ડેમ હાઇએલર્ટ પર
રાજ્યમાં ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા ૪૨૩૮ લોકોનું સ્થળાંતર કરાયુ : ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ
રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં હાલ સમગ્ર રાજ્યમાં વ્યાપક અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.
જે સંદર્ભે વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ભારે વરસાદને પરિણામે જે જિલ્લાઓ-વિસ્તારોમાં પાણી ભરાવાની અને માલ-મિલકતને નુકસાન થવાની વિકટ સ્થિતિ થઈ છે ત્યાં બચાવ રાહત કામગીરીમાં જિલ્લા તંત્રના માર્ગદર્શન માટે સંબંધિત જિલ્લાના પ્રભારી મંત્રીઓને પહોંચી જવાની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી
આ ઉપરાંત રોડ-રસ્તા, ડેમ, વીજળી, પાણી પુરવઠો, ખેતીવાડીને થયેલ નુકસાન સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા મંત્રીમંડળની બેઠકમાં થઈ હતી.
રાજ્યમાં આજ સાંજના ૦૬ વાગ્યા સુધીમાં ૪૬૧.૨૨ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૫૨.૨૩ ટકા વરસાદ છે. રાજ્યમાં કચ્છ રીજીયનમાં સૌથી વધુ ૭૫.૫૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ૨૬.૭૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૧.૩૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૩.૩૬ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૬૨.૦૪ ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના ૭૪ તાલુકાઓમાં ૫૦૦ મી.મી.થી વધુ વરસાદ વરસ્યો છે.
ચોમાસાની સિઝન દરમિયાન અત્યારસુધીમા રાજ્યના ૭ જિલ્લાઓમાંથી કુલ ૪,૨૩૮ નાગરિકોનું સ્થળાંતર તથા ૫૩૫ નાગરિકોનું રેસ્ક્યુ કરાયું છે. રાજ્યમાં એન.ડી.આર.એફ.ની ૧૩ અને એસ.ડી.આર.એફ.ની ૨૦ ટીમો તૈનાત કરાઇ છે તથા એન.ડી.આર.એફ.ની બે ટીમો રિઝર્વ રાખવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.
તા. ૨૩ જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકામાં ૦૩, બનાસકાંઠામાં ૦૨, કચ્છ ૦૨, રાજકોટ ૦૧, અને સુરત ૦૧ એમ કુલ ૦૯ માનવ મૃત્યુ નોંધાયા છે.જેમાં કેટલાક વીજળી પડવાથી અને કેટલાક પાણીમાં તણાઇ જવાના કારણે નિપજ્યાં છે.
વરસાદને પગલે વીજળીના કારણે ૫૮૧૭ ગામડાઓ પૈકી ૫૭૯૬ , ૧૧૩૫૮ ફીડર પૈકી ૧૧૦૩૭, ૫૨૫૫ પોલ પૈકી ૪૨૧૧ અને ૩૧૭ ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી ૧૮૪ પૂર્વવત કરાયા છે .
વરસાદને પગલે અસર પામેલા માર્ગો પૈકી ૩૦ ને પૂર્વવત કરાયા છે જેમા ૦૨ રાજ્યના માર્ગો, ૨૩ પંચાયત ના અને ૫ અન્ય માર્ગો છે.
રાજ્યના વિવિધ ડેમમાં પાણીની સ્થિતિ અંગેની વિગતો આપતા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ કે, હાલ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા લિ. હેઠળ ૧૮૨૪૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો સંગ્રહ થયેલ છે. જે કુલ ક્ષમતાના ૫૪.૬૧ ટકા છે.
રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો ૨,૩૬,૮૪૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ ૪૨.૨૮ ટકા છે.
જેમાં કુલ ક્ષમતાના ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૬ , ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૨૫, ૫૦ થી ૭૦ ટકા ભરાયેલ ડેમની સંખ્યા ૪૧, ૨૫ ટકા થી નીચે ભરાયેલ ડેમની સંખ્યા ૬૯ છે.
રાજ્યના ૨૦૬ ડેમ પૈકી ૫૧ ડેમને હાઇ એલર્ટ પર , ૮ ડેમને એલર્ટ અને ૧૨ જેટલા ડેમને વોર્નીંગ સ્ટેજ પર રાખવામાં આવ્યા છે.
રાજ્યમાં ભારે વરસાદને પગલે જે રસ્તાઓ અને ક્રોઝ-વેનું ધોવાણ થયું છે તે પાણી ઓસરતા સત્વરે મરામત કરીને સમગ્ર પરિસ્થિતીને પૂર્વવત કરવા મુખ્યમંત્રી શ્રી એ સૂચન કર્યું હોવાનું પ્રવક્તા મંત્રી શ્રી એ જણાવ્યું હતુ…