તાપી જિલ્લાના નાગરિકો લોકશાહીના મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર
જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વીપ પ્રવૃત્તિઓ પુરજોશમાં : નાગરિકોને મતદાન કરવા જાગૃત કરાયા
સમય ક્રાંતિ ન્યૂઝ..
આગામી તા. 07 મે, 2024 ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્રી ડૉ.વિપિનગર્ગ અને જિલ્લાના સ્વીપ એક્ટિવિટીના નોડલ અધિકારી શ્રી ધારા પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેકવિધ કાર્યક્રમો દ્વારા મતદાન અંગે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે, ત્યારે ગતરોજ વ્યારા તાલુકાની પ્ર.અને ભા. વિદ્યાલય કપુરાના શિક્ષક શ્રી બિપિનભાઈ ડી. ચૌધરી દ્વારા પોસ્ટર-બેનરો દ્વારા મતદાન જાગૃતિ શિબિરનું આયોજન કરાયું હતું.
સમગ્ર તાપી જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સ્વીપ પ્રવૃત્તિ હાથ ધરાઈ રહી છે ત્યારે, સોનગઢ તાલુકાના સીલેટવેલ આંગણવાડી કાર્યકર બહેનોના સહયોગથી ગામની બહેનો અને યુવતીઓ રેલી યોજી સીલેટવેલના ગ્રામજનોને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ડોલવણના ગડત ગામના યુવા ભાઈ-બહેનોને પણ “ફરજ નહીં અધિકાર છે, મરો મત મારી ઉજ્વલ કાલ છે” “છે આ સૌની જવાબદારી, મત આપો સૌ નર-નારી” જેવા સ્લોગનોનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
કુકરમુંડા તાલુકાના પિસાવર ગામમાં હનુમાનજીના મંદિરે પણ ગ્રામજનોની ઉપસ્થિતિમાં તેમજ ઉચ્છલ તાલુકાના પાટીબંધારામાં ધંધાદારી વ્યક્તિઓને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા હતાં. વ્યારા તાલુકાના બેડકુવા નજીક ગામમાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ખાતે ઉપસ્થિત લોકોને તેમજ નિઝર તાલુકાના વડલીના ગ્રામજનોને પણ મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. નાગરિકો પણ પોતાના સગા-સંબંધીઓને મતદાન કરવા લઈ જવા માટે સંકલ્પબદ્ધ થયા છે.
ટૂંકમાં ચૂંટણીમાં તાપી જિલ્લાના નાગરિકો પોતાનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ પર્વને સફળ બનાવે તેવા આશય સાથે સમગ્ર ચૂંટણી તંત્ર પુરજોશમાં સ્વીપ પ્રવૃત્તિઓ હાથ ધરીને લોકોને મતદાન કરવા પ્રેરિત અને જાગૃત કરી રહ્યાં છે. જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો, સસ્તા અનાજની દુકાનોએ,બસ સ્ટેશનો ખાતે મતદાન જાગૃતતા અભિયાન દ્વારા થઈ રહેલી સ્વીપ કામગીરી પણ નોંધનીય છે.