સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજ્ય હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અરબ સાગર પરથી સરકીને એક સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ દક્ષિણ ગુજરાત આવી રહી છે, જેના પગલે આગામી 24 કલાકની અંદર સુરત, ડાંગ , તાપી , નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયુ છે.
રાજયના અન્ય ભાગો પૈકી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ , નર્મદા, ભરૂચ , જુનાગઢ, અમરેલી, ભાવનગર , ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ માટેનું યલ્લો એલર્ટ જારી કરાયુ છે. આગામી તા.17મી જુલાઈ સુધીમાં રાજયમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે ચેતવણી આપી છે, જેના પગલે ચોમાસુ સિસ્ટમ સક્રિય થવા સાથે તેજ બનશે તેવી વકી રહેલી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજયમાં શુક્રવારે સાંજે છ વાગ્યા સુધીમાં નવસારી, તાપી, ભાવનગર, સુરત અને વલસાડમાં હળવાથી ભારે વરસાદ થયો છે. ખાસ કરીને ગણદેવીમા 4 ઈંચ , ચીખલીમાં 3 ઈંચ , વ્યારામાં 3 ઈંચ , નવસારીમાં 2.4 ઈંચ , વલ્લભીપુરમાં 2.3 ઈંચ , સુરત મહુવામાં 2.1 ઈંચ , પારડીમાં 2.2 ઈંચ , સોનગઢમાં 2 ઈંચ જેટલો વરસાદ થયો છે.રાજયમાં સરેરાશ 128 તાલુકાઓમાં વરસાદ થયો છે.