સમય ક્રાંતિ ન્યૂઝ..
અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગનાં રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારે ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું.આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વિગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા સુથારે રાજા, રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા, ડાંગ જિલ્લાનાં આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શુરવિરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે તેમ પણ આ વેળા ઉમેર્યુ હતું.
પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં ડાંગ દરબારનો ઈતિહાસ વર્ણવી ડાંગનાં રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરી હતી. સુથારે ડાંગ દરબારનાં મેળામાં પ્રશાસને ઉપલબ્ધ કરાવેલી પાયાકીય સુવિધાઓનો પણ ખ્યાલ આપ્યો હતો.
કાર્યક્રમનાં પ્રારંભે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા દક્ષિણ ડાંગ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદે સૌને ડાંગ દરબારમાં આવકારી, હોળી-ધૂળેટીનાં તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારનાં રંગારંગ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેલા જનમેદનીને અહી ડાંગની સાંસ્કૃતિક ઝલક રજુ કરતા ડાંગી નૃત્યો સહિતનાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.
લોકસભાની ચૂંટણી આચાર સંહિતાને અનુલક્ષીને સાદગીપૂર્ણ માહોલ વચ્ચે યોજાયેલા ડાંગ દરબારનાં ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગનાં માજી રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા, નગરનાં મુખ્ય માર્ગ ઉપર ફરી હતી. શણગારેલી બગીઓમાં નિકળેલી રાજવીઓની સવારી દરમિયાન, તેમણે પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.ડાંગ દરબારનાં ઉદ્ઘાટન કાર્યક્રમનાં સાક્ષી બનવા માટે અગ્રણી નાગરિકો, વ્યકિત વિશેષ, મહાનુભાવો, સ્થાનિક પ્રજાજનો, સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનારા કલાકારો, મીડિયાકર્મીઓ અને ડાંગનાં દરબારીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.આહવાનાં રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારનાં ઉદ્દઘાટન સમારોહનાં કાર્યક્રમની આભારવિધિ પ્રાંત અધિકારી સાગર મોવાલિયાએ આટોપી હતી. ઉદ્દઘોષક તરીકે બીજુબાલા પટેલ અને વિજયભાઈ ખાંભુએ સેવા આપી હતી.
ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારનાં ઐતિહાસિક કાર્યક્રમ વેળા માજી રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને વાર્ષિક પોલિટિકલ પેન્શનની ટોકન રકમ પણ અર્પણ કરવામાં આવી હતી.