સમય ક્રાંતિ ન્યૂઝ..
શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાદબાકી બાદ નવો વિવાદ ઉભો થયો છે. જેમાં પૂર્વ ક્રિકેટરો અને ચાહકોની પ્રતિક્રિયાઓ દરરોજ સામે આવી રહી છે. હવે પૂર્વ ભારતીય ક્રિકેટર પ્રવીણ કુમારની અય્યર અને કિશન વચ્ચેના વિવાદમાં એન્ટ્રી થઇ છે. પ્રવીણ કુમારે ડોમેસ્ટિક ક્રિકેટને મહત્વ ન આપવા બદલ ઇશાન અને અય્યરની ટીકા કરી છે. પૂર્વ ક્રિકેટરનું માનવું છે કે IPL સિવાય શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ક્રિકેટને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.
BCCIએ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કરી સજા આપી
જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા BCCIએ ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત કરી દીધા હતા. આ બંને ખેલાડીઓને BCCI દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની સલાહ આપવામાં આવી હતી. BCCIની આ સલાહને અવગણીને અય્યર અને કિશને ડોમેસ્ટિક ક્રિકેટ રમી ન હતી. અહેવાલો મુજબ BCCIના અધિકારીઓએ ઈશાન કિશનનો ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રમવા માટે સંપર્ક કર્યો હતો પરંતુ કિશને અનફિટ હોવાનું જણાવીને રમવાનો ઈન્કાર કરી દીધો હતો.
બીજી તરફ શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત હોવાના કારણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. જો કે NCA દ્વારા અય્યરને ફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ BCCIએ સજા તરીકે આ બંને ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા હતા. હવે આ બંને ખેલાડીઓ IPL 2024માં રમતા જોવા મળશે.