સમય ક્રાંતિ ન્યૂઝ..
તાજેતરમાં એક ઇન્ટર્વ્યુમાં લારા દત્તાએ એજિંગ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘટી રહેલાં ગ્લેમરનાં મહત્વ અને તેનાં કૅરિઅરમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં પોલિટિક્સની અસર જેવા વિષયો પર વાત કરી હતી. લારા દત્તાએ મિસ યુનિવર્સ જીતીને બોલિવુડ ડેબ્યુ કર્યું હતું અને વીસ વર્ષથી ઇન્ડસ્ટ્રીનો ભાગ છે.
લારા દત્તા હવે ‘રનનીતિ’માં જોવા મળશે, જે એક પોલિટિકલ સ્ટોરી છે. પોતાના જીવનમાં બોલિવુડ પોલિટિક્સની અસર વિશે તેણે જણાવ્યું કે, “દરેક ઇન્ડસ્ટ્રીના પોતાના પોલિટિક્સ હોય છે, તેમાં કેટલાકનો તમારે કોઈને કોઈ રીતે સામનો પણ કરવો પડે છે. જો હું એવું કહું કે મારી સફર બહુ સરળ રહી છે અને બધું બહુ સારું જ રહ્યું છે તો એ જૂઠું કહેવાશે. પણ જો હું ભૂતકાળ યાદ કરું તો તેનાથી મારી કૅરિઅરમાં, વ્યક્તિત્વમાં કે હું જે છું તેમાં કોઈ ફરક પડ્યો નથી. ક્યારેક મને ખરાબ લાગ્યું હશે, પરંતુ પછી
તમે આગળ વધી જાઓ છો અને તે ભૂલી જાઓ છો.”
જ્યારે બોલિવુડમાં ઘટતાં ગ્લેમરના મહત્વ વિશે લારાએ કહ્યું કે, “એવું પણ નહોતું કે બધું જ ગ્લેમરસ હતું અને જો હોય તો તેને દૂર કરવાના કોઈ ચોક્કસ પ્રયત્નો પણ થતાં નહોતાં. જ્યારે માત્ર મોટા પડદાં પર જ ફિલ્મો જોવાતી અને ઓટીટી પ્લેટફોર્મ નહોતાં ત્યારે એવા પૂરતાં પાત્રો જ નહોતાં કે જેમાં ગ્લેમરને એક બાજુ મુકી શકાય. છેલ્લા ચાર વર્ષમાં એ વિચારધારા મહદંશે બદલાઈ ગઈ છે.”
જ્યારે તેની આગામી સીરિઝ ‘રણનીતિ’ વિશે લારાએ જણાવ્યું કે, “મનિષા સેહગલ એક બહુ પ્રતિભાવાન અને પ્રભાવશાળી મહિલા છે. જોકે, તેના પાત્રની તાકાત બતાવવામા માટે તેનું ગ્લેમર ઘડાડવાની કોશિશ થઈ નથી. મને લાગે છે કે એ જડ માન્યતા અને વિચારધારામાંથી આપણે ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ. આજે પડદા પર મહિલાઓનાં પ્રતિનિધિત્વની વાત કરીએ તો આજે બહુ સર્વસમાવેશી અભિગમ જોવા મળે છે.”