સમય ક્રાંતિ ન્યૂઝ..
સામાન્ય પારિવારિક ઝઘડામાં ક્યારેક ઘરના સભ્યો વિચાર્યા વિના આપઘાત કરવા જેવું આત્મઘાતી પગલું ઉઠાવતા હોય છે અને પાછળ રહેલાં પરિવારના સભ્યોને જીવનભરનું દુઃખ આપીને જતા રહેતા હોય છે. ગુસ્સા અને ઝઘડાએ સુરતમાં એક હસતો રમતો માળો પીંખી નાંખ્યો છે. ઝઘડા બાદ પત્નીએ ફિનાઈલ પી લેતા પતિ તાપી નદીમાં કુદી ગયો હતો. આ ઘટનામાં પતિનું મૃત્યુ થયું છે, જ્યારે પત્ની જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી છે. જોકે, ક્ષણિક આવેશમાં માતા-પિતાએ આપઘાતનો રસ્તો અપનાવતા કિશોર વયની બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના રૂસ્તમપુરા વિસ્તારમાં આવેલી ઈચ્છા દોશીની વાડીમાં રહેતા દંપતિ જિતેશ રાણા અને તેમની પત્ની વચ્ચે રવિવારે સાંજે ફરવા જવાના મામલે ઝઘડો થયો હતો. ઝઘડાના પગલે જિતેશની પત્નીએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું, બીજી તરફ જિતેશ રાણા તાપી નદીમાં જઈને કૂદકો મારી દીધો હતો. પરિવારને ઘટનાની જાણ થતાં જિતેશની પત્નીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે બીજી તરફ તાપી કિનારે જઈ જિતેશ રાણાની શોધખોળ આદરવામાં આવી હતી, પરંતુ જિતેશ રાણાનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ફાયર બ્રિગેડે પણ જિતેશને શોધવા પ્રયાસ કર્યા હતા, જેમાં સફળતા મળી નહોતી.બાદમાં લાશ મળી આવતા કાર્યવાહી કરાઈ હતી