સમય ક્રાંતિ ન્યૂઝ..
ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા તેમના ફરજ પરના સ્થળે મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવશે: મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી
ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા રજૂ થયેલા ફોર્મ-૧૨ નું આદાન-પ્રદાન કરવા માટે આજે રાજ્ય કક્ષાના પ્રથમ એક્ષચેન્જ મેળાનું અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઑડિટોરીયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
પોતાના અથાક પ્રયત્નો, પ્રતિબદ્ધતા, સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મનિષ્ઠ કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. આવા કર્મચારીઓ દ્વારા ભરવામાં આવેલા ફોર્મ-૧૨ ના આદાન-પ્રદાન માટે યોજાયેલા આ ઍક્ષચેન્જ મેળામાં રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ ઉપસ્થિત રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, ભારતના ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ અને કર્મચારીશ્રીઓ પોસ્ટલ બેલેટ પેપર મારફતે પોતાની ફરજ સ્થળ પરથી મતદાન કરી શકે તે માટેની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મુખ્ય નિર્વાચન અધિકારીએ કહ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે યોજાયેલા રાજ્યકક્ષાના પ્રથમ એક્ષચેન્જ મેળાની કામગીરીમાં દરેક જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ સારો સહયોગ આપ્યો છે અને આ પ્રકારની વ્યવસ્થાથી ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી શકશે, જેનાથી મતદાનમાં વધારો થશે.
રાજ્યકક્ષાના પ્રથમ ઍક્ષચેન્જ મેળાનો હેતુ લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ તથા વિધાનસભાની પેટાચૂંટણીની પ્રક્રિયામાં ફરજ પર નિયુક્ત કરવામાં આવેલા કર્મચારીઓ બેલેટ પેપર મારફતે મતદાન કરી શકે તે માટે તેમના દ્વારા ભરવામાં આવેલા ફોર્મ ૧૨ વિવિધ જિલ્લામાંથી મેળવી આવા કર્મચારીઓ જે સંસદીય મતવિસ્તારમાં મતદાર તરીકે નોંધાયેલા છે, તે સંસદીય મતવિસ્તારના ચૂંટણી અધિકારીને સુપ્રત કરવા માટેનો હતો. આ મેળામાં તમામ ૩૩ જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ માટે ભરવામાં આવેલા કુલ ૨.૯૪ લાખથી વધુ ફોર્મ-૧૨ રાજ્યના ૨૬ લોકસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર પ્રક્રિયા સુચારૂરૂપે સંપન્ન થાય તે માટે સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી એ. બી. પટેલે ઉપસ્થિત રહી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.