સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ સોનગઢ,તાપી ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી,વ્યારા અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી,ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે લશ્કરી ભરતીમાં જોડાવા પુર્વે અગ્નિપથ યોજના અંતર્ગત આદિજાતિ યુવકો માટે નિશુલ્ક નિવાસી તાલીમ અંગે માહિતી માર્ગદર્શન અને પ્રવેશ પરીક્ષાનું આયોજન થયું હતું.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી,ગાંધીનગરથી વક્તા તરીકે પધારેલા મનીષકુમાર વર્મા,કરણસિંહ પરિહાર અને આર.એસ.થાપાનું કોલેજ પરીવાર વતી પુષ્પગુચ્છ આપી આવકાર આપ્યો હતો. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ,નિઝરના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.રાકેશભાઈ ગામિત અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી, વ્યારાથી પધારેલા કરિયર કાઉન્સિલર અને આજ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિનોદભાઈ મરાઠે અને ધર્મેશભાઈ વસાવાનું કૉલેજ પરિવાર વતી શાબ્દિક અને પુષ્પગુચ્છ આપી આવકારવામાં આવ્યાં. કોલેજના આચાર્યશ્રી ડૉ.રાજેશભાઈ પટેલે પોતાના આશિર્વચનમાં અગ્નિપથ યોજનાનો લાભ લેવા અને ભવિષ્યમાં લશ્કરી,અર્ધ લશ્કરી દળ,પોલીસ અને વન વિભાગમાં કારકિર્દી બનાવવા કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થી ભાઈઓને હાકલ કરી હતી.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરના ટ્રેનર કરણસિંહ પરિહારે અગ્નિપથ યોજના વિશે વિગતો આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના અનુસુચિત જનજાતિના ૧૫૦ વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે ૭૫ દિવસની નિવાસી તાલીમ લેવાની રહેશે. થીયરી અને ગ્રાઉન્ડ ટેસ્ટ માટે તૈયાર કરશે. તાલીમ દરમ્યાન રહેવા,જમવા અને વાહન વ્યવહાર ખર્ચ યુનિવર્સિટી આપશે.
ટ્રેનર મનીષકુમાર વર્મા (રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર ) એ અગ્નિવીર પૂર્વ તાલીમ માટે લેવાનારી પ્રવેશપરીક્ષાનું માર્ગદર્શન આપ્યું.ભારતીય સૈન્યમાં જોડવા તત્પર, રસ ધરાવતા, અપરિણીત આદિજાતિ વર્ગના ભાઈઓ જેમનો જન્મ ૦૧-ઓગસ્ટ ૨૦૦૪ થી ૦૧-એપ્રિલ-૨૦૦૭ વચ્ચે થયો હોય અને ધોરણ ૧૦માં દરેક વિષયમાં ૪૫% ગુણ સાથે પાસ થયા હોય તેમને આજની પ્રવેશપરીક્ષામાં ઉમેદવારી કરવાની તક મળી હતી.
ફિજીકલ ટ્રેનર આર.એસ.થાપા(રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગર) એ ઉમેદવારોને અગ્નિવીર માટે શારીરિક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે કેવી તાલીમ આપવામાં આવશે તે અંગે વાત કરીને પોતાની નોકરીના અનુભવો કહી ઉપસ્થિત વિદ્યાર્થીઓને લશ્કરી સેવામાં જોડવા પ્રેરિત કર્યા.
તાપી જીલ્લા સેવા નિવૃત થયેલા માજી સૈનિક સંગઠનના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ ગામીતે પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત આદિજાતિ વિદ્યાર્થીઓને પોતાના લશ્કરી સેવામાં જોડાયા પુર્વે કરેલ સંઘર્ષની વાત કરી.સેનામાં જોડાવા માટેના કારણો અને સેવાનિવૃત્તિ બાદ મળતા લાભો અંગે વિગતવાર વાત કરી. આગામી તારીખ ૨૬ જુલાઈના રોજ કારગીલ વિજય દિવસની સોનગઢ શહિદ સ્મારક ખાતે થનારી પુષ્પાંજલી, તિરંગા યાત્રામાં કોલેજના વિદ્યાર્થીઓ સ્વેચ્છિક રીતે જોડાવા માટે આમંત્રિત કર્યા હતા.
આજના અગ્નિવીર પૂર્વ તાલીમ પ્રવેશ અને માર્ગદર્શન કાર્યક્રમમાં FY/SY/TY/BA- B.comમાં અભ્યાસ કરતા ૧૬૦ વિદ્યાર્થી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને સફળતા માટે કૉલેજ પરીવારના સૌ અધ્યાપક મિત્રોએ જહેમત ઉઠાવી હતી.પ્લેસમેન્ટ ઓફિસર ડૉ.હિરેન કાકડિયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કરી હતી.