સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એક ફાર્માસ્યુટીકલ કંપનીના યુનિટમાંથી ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા લિક્વિડ ટ્રામાડોલનો અંદાજે રૂપિયા 31 કરોડની કિંમતનો આશરે 1410 લિટરનો જથ્થો પકડી પાડ્યો છે.
ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. પી.બી.દેસાઈને ગુપ્ત માહિતી મળી હતી કે, ભરૂચ જિલ્લાના દહેજ જોલવા જી.આઇ.ડી.સી.માં પ્લોટમાં આવેલી એક ફાર્મા કંપનીમાં ચીફ કેમીસ્ટ પંકજ રાજપુત દ્વારા ટ્રામાડોલ બનાવવામાં આવી રહ્યું છે. માહિતીને પગલે ગુજરાત એ.ટી.એસ.ની ટીમ દ્વારા ગુપ્ત રાહે તપાસ તેમજ ટેકનીકલ એનાલિસીસ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ગુજરાત એ.ટી.એસ.ના ટીમે એસ.ઓ.જી. ભરૂચ સાથે મળી બાતમી વાળી જગ્યા ખાતે રેડ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમ્યાન ફાર્મા કંપનીના પંકજ રાજપુત પાસેથી રૂ. 31.02 કરોડનો ટ્રામાડોલ ટેબ્લેટના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા પ્રવાહી ટ્રામાડોલનો આશરે 1410 લીટરના ગેરકાયદેસર જથ્થા સાથે મળી આવ્યો હતો. આ જથ્થાને તપાસ અર્થે સીઝ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ આફ્રિકામાં ગેરકાયદે નિકાસ કરાતી
પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે, મુંદ્રા કસ્ટમ્સ વિભાગ દ્વારા તા. ૨૮/૦૭/૨૦૨૪ના રોજ કચ્છ જીલ્લાના મુંદ્રા ખાતે એક શંકાસ્પદ એક્સ્પોર્ટ કન્ટેઈનરમાં સર્ચ હાથ ધરવામાં આવી હતી, જે દરમ્યાન ગેરકાયદેસર રીતે પશ્ચિમ આફ્રિકી દેશો સિયેરા લિઓન અને નાઇજીરિયા ખાતે એક્સ્પોર્ટ થનાર રૂ. ૧૧૦ કરોડની કિંમતની કુલ ૬૮ લાખ ટ્રામાડોલ ટેબ્લેટનો ગેરકાયદેસર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો ઉપરોક્ત આરોપીઓ દ્વારા તૈયાર કરી મોકલવામાં આવ્યો હતો.