સમય ક્રાંતિ ન્યૂઝ..
દેશમાં અંગ્રેજોની સમયથી અમલમાં રહેલા ઇન્ડિયન પીનલ કોડ, ક્રિમીનલ પ્રોસીઝર કોડ અને ઇન્ડિયન ઇવીડન્સ એક્ટના કાયદામાં મોટાપાયે ફેરફાર કરાયા બાદ ૧ જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં મુકવામાં આવનાર છે. જે અનુસંધાનમા ગુજરાત પોલીસે નવા કાયદાના અમલ માટે તૈયારીઓ પૂર્ણ કરી છે. જેમાં રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ માટે વિશેષ તાલીમ સત્ર ગોઠવવામાં આવ્યા હતા અને તાલીમ અપાઈ રહી છે.
આ ઉપરાંત, ઇ-ગુજકોપ સોફ્ટવેરમાં નવા કાયદા અંગે તમામ અપડેટ કરી દેવામાં આવ્યું છે. આ સાથે શરૂઆતના તબક્કામાં સ્થાનિક પોલીસની મદદ માટે નવા કાયદાના નિષ્ણાંતની મદદ પણ લેવામાં આવશે. અંગ્રેજોના સમયમાં દેશમાં જે કાયદા અમલમાં હતા તે કાયદાને દેશની આઝાદી બાદ પણ યથાવત રાખવામાં આવ્યા હતા. જો કે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૩માં ભારતીય દંડ સહિતા એટલે ઇન્ડિયન પીન કોડ, ફોજદારી પ્રક્રિયા સંહિતા (ક્રિમીનલ પ્રોસીસર કોડ) અને ભારતીય પુરાવા સંહિતા ( ઇન્ડિયન ઇવીડન્સ એક્ટ)માં મોટાપ્રમાણમાં ફેરફાર કર્યા હતા. જે કાયદાનો અમલ ૧ જુલાઇથી થવાનો છે. ત્યારે ગુજરાત પોલીસ દ્વારા આ અનુંસધાનમાં છેલ્લાં ત્રણ મહિનાથી તૈયારીઓ કરવામાં આવી હતી. જે અંગે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે છેલ્લાં ત્રણ મહિનાથી સમગ્ર ગુજરાતમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને નવા કાયદા અંગે માહિતી મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં વિશેષ તાલીમ સત્ર યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ઇ-ગુજકોપ સોફ્ટવેરમાં તમામ નવા કાયદાની વિગતો અપડેટ કરવામાં આવી છે. જેથી પોલીસ માટે ગુનો નોંધવાની કામગીરી સમયે સરળતા રહેશે. સાથેસાથે શરૂઆતના તબકકામાં થોડી મુશ્કેલી શક્યતાને ધ્યાનમાં રાખીને નવા કાયદાના નિષ્ણાંતોની મદદ મળી તે માટે જિલ્લા અને શહેરો પ્રમાણે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ સાથે હજુ પણ આગામી દિવસોમાં જરૂરિયાત મુજબ નવા કાયદાની તાલીમની કામગીરી કરવામાં આવશે હોવાની માહિતી મળી રહી છે.