સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સત્તાવાર રીતે પત્ની નતાશા સ્ટેનકોવિકથી (Natasha Stankovic) અલગ થઈ ગયા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે છૂટાછેડાના (Divorce) સમાચાર હતા, જેની પુષ્ટિ કરતા હાર્દિક અને નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. તેમજ પોતાના ફેન્સ માટે એક ભાવુક સંદેશ શેર કર્યો હતો.
નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન 31 મે 2020ના રોજ થયા હતા અને તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે 30 જુલાઈના રોજ થયો હતો. ત્યાર બાદ તેઓએ 14 ફેબ્રુઆરી 2023 ના રોજ ઉદયપુરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરી નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં વિધિપૂર્વક લગ્ન કર્યા હતા. ત્યારે ચાર વર્ષ બાદ કપલે અંગત કારણોસર સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી પોતાના છૂટાછેડાની પુષ્ટિ કરતા કહ્યું હતું કે, ‘ચાર વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે. આ અમારા બંનેના હિતમાં છે. અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો.
પુત્ર અગસ્ત્યનું શું થશે?
હાર્દિક-નતાશાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સ્પષ્ટ લખ્યું હતું કે, ‘અમને અગસ્ત્ય જેવી ભેટ મળી છે. હવે તે અમારા બંનેના જીવનનું કેન્દ્ર બનશે. અમે એકબીજાને પૂરો સાથ આપીશું જેથી અમે અમારા પુત્ર અગસ્ત્યને ખુશ રાખવા માટે તમામ પ્રયાસો કરીશું. એટલે કે, અલગ થવા છતાં હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનોવિક તેમના પુત્ર અગસ્ત્યને એકસાથે ઉછેરશે. આ દરમિયાન નતાશાએ તેના સર્બિયન ઘરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેના કારણે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે પોતાના દેશ સર્બિયા પરત આવી ગઈ છે. ફોટો શેર કરતી વખતે તેણીએ લખ્યું હતું કે ‘હોમ સ્વીટ હોમ’. બે દિવસ પહેલા તેણી એરપોર્ટ પર પણ જોવા મળી હતી, ત્યારે અગસ્ત્ય પણ તેણીની સાથે હતો.