સમય ક્રાંતિ ન્યૂઝ..
શહેરના મોટા વરાછામાં ગત મોડી રાત્રે દારૂના નશામાં ચુર કાર ચાલકે બેફામ રીતે કાર હંકારી બાઈક ઉપર જઈ રહેલા દાદા પૌત્રને અડફેટે લેતા બાઈક સવાર દાદા પૌત્ર રોડ ઉપર પટકાયા હતા.આ અકસ્માતને કારણે દાદા અને પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે અકસ્માતને પગલે સ્થળ ઉપર ભેગા થયેલા લોકોએ રોષ ઠાલવ્યો હતો અને કાર ચાલકને પકડી મેથીપાક આપવાની સાથે પોલીસેન સોંપી દીધો હતો.
જ્યારે ઈજાગ્રસ્ત દાદા પૌત્રને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઉત્રાણ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટાવરાછા અબ્રામા રોડ ખાતે આવેલ નીલકંઠ હાઈટ્સમાં રહેતા 61 વર્ષીય રસીકભાઈ શંભુભાઈ ચોવટીયા પૌત્ર હેવન (ઉ.વ.5 ) ને બાઈક ઉપર લઈને 11 મીએ રાત્રે અબ્રામા રોડ સંસ્કાર તીર્થ સ્કુલ પાસેથી ઘરે આવતા આવતા હતા.ત્યારે મોટા વરાછા સંસ્કારતીર્થ સ્કૂલની સામે કાર ચાલક આરોપી ભાવેશ ઘનશ્યામ ચલોડીયા (રહે- આનંદધારા સોસાયટી મોટા વરાછા ) એ તેમની બાઇકને ટક્કર મારતા દાદા પૌત્ર રોડ ઉપર પટકાયા હતા.ગંભીર અકસ્માતમાં વૃદ્ધ રસિકભાઈ ચોવટિયાને જમણા કાનમાથી લોહી નીકળવા લાગ્યો હતો અને જમણા કાનની પાછળના ભાગે ખોપરીમા ફ્રેક્ચરની ઈજા થઇ હતી.તેમજ માસુમ હેવનને પણ ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત દાદા અને પૌત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.પોલીસે દારૂના નશામાં અકસ્માત સર્જનાર કાર ચાલક ભાવેશ ચલોડીયાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કર્યો હતો.