સમય ક્રાંતિ ન્યૂઝ..
લોકસભા ચૂંટણી 2024ને લઈને ધમધમાટ છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા પણ શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ગુપ્તચર અહેવાલના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. જો કે, ગૃહ મંત્રાલયે IBના ઈનપુટ રિપોર્ટ બાદ આ નિર્ણય લીધો છે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારને ‘Z’ શ્રેણીની સુરક્ષા મળશે.
Z શ્રેણી સુરક્ષા પ્રોટોકોલ હેઠળ, હવે મુખ્ય ચુંટણી કમિશ્નર રાજીવકુમારની સુરક્ષા માટે CRPF કમાન્ડો સહિત કુલ 33 સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવશે. Z+ પછી, Z સુરક્ષા એ સૌથી સુરક્ષિત સુરક્ષા છે. આ Z+ થી થોડી અલગ વ્યવસ્થા હોય છે. ઝેડ શ્રેણીમાં વ્યક્તિના નિવાસસ્થાન પર તૈનાત 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ્સ, છ પ્રાઇવેટ સિક્યુરિટી ઓફિસર્સ (પીએસઓ) ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડશે. ત્રણ શિફ્ટમાં કામ કરતા 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો પણ સામેલ હશે. આ સિવાય દરેક સમય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક શિફ્ટ દીઠ બે નિરીક્ષકો અને ત્રણ પ્રશિક્ષિત ડ્રાઇવરો શિફ્ટ મુજબ સ્ટેન્ડબાય પર રહેશે.