ગૃહ ઉદ્યોગો, લઘુ ઉદ્યોગ, દુકાનો અને નાના મોટા કામોની તાલીમ મેળવી પગભર બની છે તાપી જિલ્લાની અનેક મહિલાઓ
બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન અને મિશન મંગલમ યોજના બની માર્ગદર્શક
૪૬૧૪ જેટલી મહિલાઓ સીવણ, પાપડ-અથાણા અને માસાલા પાવડર બનાવટ, બેંક મિત્ર, તોરણ બનાવટ, પશુપાલન અને જૈવિક ખાતર ઉત્પાદન, કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીંગ જેવા વિવિધ ક્ષેત્રે તાલીમ મેળવી સફળતા પુર્વક આજીવીકા મેળવી રહી છે
સમય ક્રાંતિ ન્યૂઝ..
“સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે.”-વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આ ઉક્તિ તાપી જિલ્લામાં સાર્થક થતી માલુમ પડે છે. છેવાડાનો જિલ્લો કહેવાતા તાપી જિલ્લામાં આદિવાસી બહેનો સક્રિય સખીમંડળોના માધ્યમ થકી આત્મનિર્ભતાની મિશાલ બની છે.
મહિલા સશક્તિકરણને વરેલી રાજ્ય સરકાર મહિલાઓને આત્મનિર્ભર કરવા અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસના ફળો છેવાડાની મહિલાઓ સુધી પહોચાડી રહી છે. આ કામગીરીમાં બહેનોમાં રહેલી વિવિધ આવડતને કૌશલ્યવર્ધન કરી આત્મનિર્ભર બનાવવાની દિશામાં કાર્યરત છે તાપી જિલ્લાની બેંક ઓફ બરોડા RSETI સંસ્થાન અને મિશન મંગલમ યોજના.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના કાર્યરત છે જેમાં સખી મંડળની બહેનોને વિવિધ ગૃહ ઉદ્યોગો,લઘુ ઉદ્યોગ, બેકિંગ અકાઉન્ટીંગ, નાના મોટા કામો સફળતા પુર્વક શિખવી પરિવારને આર્થિક મદદરૂપ બનવા સક્ષમ બનાવવામાં આવે છે.
બોક્ષ-
આવી અનેક પ્રગતિશિલ મહિલાઓ પૈકી એક છે નયનાબેન ગામીત, કરુણા ગામીત, અને યાહુંશુવા ગામીત. જેઓ બેંક મિત્ર તરીકે ગ્રાહક સેવા કેન્દ્ર વ્યારા ખાતે કામગીરી કરે છે. વ્યારા તાલુકાના તાડકુવા ગામની રહેવાસી નયનાબેન ગામીતે આ સંદર્ભે જણાવ્યું હતું કે, RSETI સંસ્થાન બરોડામાં ONE GP ONE BC સરકારની યોજના મારફત ૬ દિવસની બેંક સખી/ બેંક મિત્રની તાલીમ લીધી હતી. હાલ અમે ત્રણે બહેનો બેંક ઓફ બરોડામાં બેંક સખી તરીકે જોડાયા છે. જેના થકી હુ દર મહિને ૧૧થી ૧૫ હજારની આવક મેળવું છું. જેના કારણે હું પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ બની શકી છું. જેના માટે હું મિશન મંગલમ યોજના, RSETI સંસ્થાન અને સરકારશ્રીની આભારી છું જેમણે મને નિ: શુલ્ક તાલીમની સાથે જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
બોક્ષ-
RSETI સંસ્થાન બરોડાના નિયામકશ્રી કિરણ સતપુતે આ બાબતે વધુ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં Rsetiનું સેન્ટર વર્ષ 2010 થી શરૂ થયું હતું. અહીં વિના મૂલ્યે રહેવાની અને જમવાની સુવિધા સાથે કુલ 64 પ્રકારની વિવિધ તાલીમો નિ:શુલ્ક આપવામાં આવે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ મિશન મંગલમ યોજનામાં જોડાયેલી બહેનોને પણ આ તમામ તાલીમોનો લાભ મળે છે.
બોક્ષ-
વ્યારા ખાતે શ્રી લેડીસ ટેલર અને ક્લાસિસ ચલાવતા પારૂલ ચૌધરી ૩૦ દિવસની RSETI સંસ્થાનમાંથી તાલીમ મેળવી હતી. પારૂલબેને પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, RSETI સંસ્થાનમાંથી ૩૦ દિવસની વુમન્સ ટેલરીંગની તાલીમ મેળવી હતી. મારી સારી કામગીરી જોઇ મને RSETI સંસ્થાનમાં જ ટ્રેનર તરીકે ફરજ બજાવાનો મોકો મળ્યો. આ સાથે મારી પોતાની દુકાન છે જેમાં હુ સિવણ કામ સાથે અન્ય બહેનોને ટેલરીંગનું કામ શીખાવું છું. તાલીમ બાદ મશીનો લેવા માટે મે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત ૫૦ હજારની લોન લીધી હતી જેમાં મને ૪૦ ટકા સબસીડી મળી હતી. ટેલરીંગ કામ દ્વારા જ મે લોનની ભરપાઇ કરી છે. આમ મને આત્મનિર્ભર બનાવવામાં સરકારશ્રીના વિવિધ વિભાગોનો હાથ છે જેના માટે હું સરકારશ્રી અને મિશન મંગલમ, RSETI સંસ્થાન, ઉદ્યોગ કેન્દ્ર સૌની આભારી છું.
અમારી સંસ્થા થકી આજદિન સુધી કુલ ૭૨૮૦ મહિલાઓએ તાલીમ મેળવી છે. અને ૪૬૧૪ જેટલી મહિલાઓ સીવણ તાલીમ, પાપડ અથાણું અને માસાલા પાવડર બનાવટ, બેંક મિત્રની તાલીમ, તોરણ બનાવટ, પશુપાલન અને જૈવિક ખાતર ઉત્પાદન, કમ્પ્યુટરાઈઝ એકાઉન્ટીગ જેવા વિવિધ ક્ષેત્રે તાલીમ મેળવી આજીવીકા મેળવી રહી છે.
અંતે તેમણે સમગ્ર તાપી જિલ્લાની જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, નાના મોટા ઉધોગો થકી પોતાને આર્થીક રીતે પગભર બનવા ઇચ્છતા તમામ તાપી જિલ્લાના ભાઇ-બહેનો Rseti સેન્ટરમાં મળતી વિવિધ તાલીમોનો લાભ લે.
મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે અનેક યોજનાઓનો અસરકારક રીતે અમલ કર્યો છે. દેશ અને સમાજના વિકાસમાં નારીશક્તિની ભાગીદારી અમૂલ્ય છે ત્યારે તાપી જિલ્લામાં સરકાર દ્વારા કાર્યરત RSETI સંસ્થાન બરોડા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન મંગલમ યોજના મહિલાઓની પ્રતિભાના વિકાસની સાથે બહેનોને આગવી ઓળખ અપાવવામાં મહત્વપુર્ણ પરિબળ સાબિત થઇ રહી છે. જેના થકી તાપી જિલ્લાની મહિલાઓ આત્મનિર્ભરતાની મિશાલ બની છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તાપી જિલ્લાને વિકાસની ધારામાં લઇ જતી તમામ આત્મનિર્ભર મહિલાઓને શત શત વંદન.