સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ મેચ ધર્મશાલામાં રમાઈ રહી છે. જેમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 218 રનમાં સમેટાઈ ગઈ હતી. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ દિવસના અંતે એક વિકેટના નુકસાને 135 રન બનાવી લીધા છે. જયસ્વાલ ફિફ્ટી ફટકારીને આઉટ થયો છે. જ્યારે રોહિત શર્મા અણનમ 52 રન બનાવીને પરત ફર્યો છે. નોંધનીય છે કે, પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-0થી આગળ છે.
ભારતીય સ્પિનરો સામે બેઝબોલનું સૂરસૂરિયું
ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહેમાન ટીમની શરૂઆત શાનદાર રહી હતી. જેક ક્રોલી અને બેન ડકેટે પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. કુલદીપે ડકેટને 27 રન આઉટની કરીને પ્રથમ સફળતા અપાવી હતી. જોકે, લંચ સુધીમાં ઈંગ્લેન્ડની ટીમે 2 વિકેટે 100 રન બનાવની લીધા હતા. પરંતુ લંચ બાદ એક પછી એક સતત વિકેટ પડતા આખી ટીમ 218 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરો સામે બેઝબોલનું સૂરસૂરિયું થઈ ગયું હતું. એક માત્ર જેક ક્રોલીએ ફિફ્ટી ફટકારી હતી.
કુલદિપે સૌથી વધુ વિકેટ ઝડપી
ખાસ કરીને ભારતીય સ્પિનરો સામે ઈંગ્લેન્ડના ખેલાડીઓએ સરેન્ડર કરી દીધું હતું. જેક ક્રોલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. ત્યારબાદ બેયરસ્ટોએ 29 રન બનાવીને કુલદિપનો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવે સૌથી વધુ પાંચ વિકેટ ખેરવી હતી. 100મી ટેસ્ટ મેચ રમી રહેલા અશ્વિને પણ 4 વિકેટ લીધી હતી. એક સફળતા જાડેજાને મળી હતી. આમ તમામ 10 વિકેટો સ્પિનરોએ લીધી હતી.