સમય ક્રાંતિ ન્યૂઝ..
ક્લોરિન ગેસ લીકેજ ઓફસાઇટ ઇમર્જન્સી અંગે જિલ્લા કક્ષાની મોકડ્રીલ યોજાઇ : મોકડ્રીલ જણાતા કર્મીઓમાં રાહતનો શ્વાસ
સુરક્ષા અને ઘટનાના આગોતરા આયોજનના ભાગરૂપે મોકડ્રીલ યોજાઇ
જિલ્લાની વિવિધ ઇમરજન્સી વિભાગોની ટીમોએ પોતાની જવાબદારીઓને સમયસર નિભાવી
તાપી જિલ્લાના સોનગઢ સ્થિત જે.કે. પેપર મીલ ખાતે કેમિકલ રિયેક્શનના ઝેરી ગેસ હવામાં ફેલાતા કર્મીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઝેરી ગેસની ચપેટમાં આવેલા કંપનીના ત્રણ કર્મીઓને સૌ પ્રથમ ઘટના સ્થળે એમ્બ્યુલેન્સ મારફત પ્રાથમિક સારવાર આપ્યા બાદ ત્વરિત ધોરણે હોસ્પિટલ ખસેડાયા હતા.
જે.કે.પેપર મિલમાં તા.૭ મીએ સવારે ૧૧.૦૧ કલાકે ક્લોરિન ગેસ લિકેજની ઘટના બની હતી. ક્લોરિન ગેસ લીકેજ નિયંત્રણની બહાર જતા જે.કે. પેપર મીલ (CPM) સોનગઢના લોકલ ક્રાઇસિસ ગૃપ દ્વારા ૧૧.૨૦ કલાકે સંપૂર્ણ સાઈટને ઓફસાઈટ ઇમરજન્સી જાહેર કરાયો હતો.
જે.કે. પેપેર મીલના ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ દ્વારા ક્લોરિન ગેસ લીકેજ અંગેની જાણકારી ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના મુખ્ય કંટ્રોલ રૂમ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમમેન્ટ વિભાગ, સોનગઢ અને વ્યારા ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગને ત્વરિત ધોરણે આપવામાં આવી હતી.
આ અંગે તાપી જિલ્લા વહિવટી તંત્ર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રને જાણ થતા ટીમ તાપી એક્શન મોડમાં આવી હતી. ડિસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપ દ્વારા જિલ્લાની વિવિધ ઇમરજન્સી વિભાગોને સત્વરે જાણ કર્યા બાદ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા લોકલ ક્રાયસીસ ગ્રુપના અને જિલ્લા ક્રાયસીસ ગ્રુપના મેમ્બરના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોચ્યા હતા.
વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવ્યો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે એક્શન મોડમાં આવીને રાહત બચાવવાની કામગીરી હાથ ધરી હતી. આ બનાવમાં ભોગ બનેલા ૦૩ કર્મીઓ સારવાર બાદ સાજા થયા હતા. ક્લોરિન ગેસ લિકેજની ઘટના બાદ આ ઘટનાને સુરક્ષા અને ઘટના બનતા આગોતરા આયોજનના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલ જાહેર કરાઈ હતી. જે બાદ કર્મીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોએ હાંશકારો અનુભવ્યો હતો.
અધ્યક્ષસ્થાનેથી નાયબ નિયામક જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થય ના અધિકારી શ્રી બી.એચ. ચૌહાણ દ્વારા ડિ-બ્રિફિંગ મીટિંગમાં સમગ્ર ટીમના સંકલનની સરાહના કરી ખરેખર કોઇ આ પ્રકારની ઘટના બને ત્યારે પણ આવી જ રીતે કો-ઓર્ડીનેશનથી કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. આ ઉપરાંત તેમણે તમામ વિભાગોને તેઓના સુચનો અને માર્ગદર્શન અંગે ચર્ચા કરી તેની નોંધ લેવા કંપનીના સંબંધિત અધિકારી-કર્મચારીઓને જરૂરી સુચનો આપ્યા હતા. આ સાથે કપનીઓએ પણ તંત્ર સાથે સંકલન સાધવા અને ત્વરિત પગલા લેવા અને સાથ સહકાર આપવા અંગે ખાતરી આપી હતી.
મોકડ્રીલ બાદ જે.કે.પેપરમીલના ઓબઝવરશ્રી દ્વારા રિવ્યુ કરી અને ભવિષ્યમાં આવી કોઇ ઘટના બને તો કેવી રીતે પહોંચી વળવુ તે અંગેની જાણકારી આપી હતી.
મોકડ્રીલના સ્થળે એચ.એન.ગાંવિત રીજ્યુનાલ ઓફિસર જી.પી.સી.બી, એ.આર.ટી.ઓ એસ.કે.ગામીત, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં કે. કે. ગામીત, પી.એસ.આઇ ઉકાઈ સુર્યવાંશી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ હેતલ સાદડીવાલા, ડીસ્ટ્રીકટ ક્રાઇસીસ ગ્રુપના અધિકારીઓ, મામલતદાર સોનગઢ, વ્યારા ફાયર ઓફીસર- દિગવિજય ગઢવી, સોનગઢ ફાયર ટીમ, પોલીસ અધિકારી,આરોગ્ય વિભાગ અધિકારી, જીપીસીબી નવસારીના અધિકારીઓ,ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ,સુરતના અધિકારીઓ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ઉકાઈ થર્મલ પ્લાન્ટ ના અધિકારીઓ, જે.કે.પેપર મીલના અધિકારીઓ, સહિત જિલ્લાના અલગ અલગ વિભાગના કર્મચારીઓ તથા જે.કે.પેપર મીલના અધિકારીઓ કર્મચારીઓ કામદારો ઉપસ્થિત રહ્યા હતા.