સમય ક્રાંતિ ન્યૂઝ..
સવારની ચાથી લઈને રાત્રિભોજન સુધી દૂધ આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે જે દૂધ પી રહ્યા છો તે કેટલું સુરક્ષિત છે? આ સવાલ એટલા માટે ઉઠાવવામાં આવી રહ્યો છે કારણ કે દિલ્હી હાઈકોર્ટમાં એક રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં સપ્લાય કરવામાં આવતા દૂધમાં ઓક્સીટોસિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ એ જ દવા છે જેના પર કેન્દ્ર સરકારે 2018માં પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે કહ્યું કે તેનો દુરુપયોગ પશુઓના દૂધ ઉત્પાદનમાં વધારો કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જે પશુઓ તેમજ દૂધ પીતા લોકોના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરી રહ્યું છે.
જેના પગલે દિલ્હી હાઈકોર્ટે રાજધાનીમાં ગાયો અને ભેંસોના ઉછેરમાં ઓક્સીટોસીનના દુરુપયોગ સામે પગલાં લેવા અધિકારીઓને આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે હોર્મોન સંબંધિત દવાઓ આપવી એ પ્રાણી ક્રૂરતા અને ગુનો છે.
કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચે દિલ્હી સરકારના ડ્રગ કંટ્રોલ વિભાગને સાપ્તાહિક તપાસ કરવા અને કેસ નોંધવા કહ્યું છે. પોલીસ આ અંગે તપાસ કરશે. કોર્ટે દિલ્હી પોલીસની ઈન્ટેલિજન્સ બ્રાન્ચને ઓક્સીટોસિન ઉત્પાદન, પેકેજિંગ અને વિતરણના સ્ત્રોતોની ઓળખ કરવા કહ્યું છે. ઉપરાંત આ મામલે કાયદા મુજબ કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યું છે.