સમય ક્રાંતિ ન્યૂઝ..
સોનગઢ તાલુકાના સીંગપુર ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂા. ૮૦ લાખના ખર્ચે નવનિર્મિત સીંગપુર પ્રાથમિક શાળાના નવા મકાનનું રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સારામાં સારી સગવડ પ્રાપ્ત થાય એ માટે સરકાર દ્વારા પુરતી કાળજી લેવામાં આવી રહી છે.
સોનગઢ તાલુકાના સીંગપુર ખાતે આવેલી પ્રાથમિક શાળામાં પણ સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અદ્યતન સુવિધાઓથી સજ્જ નવા મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ લોકાર્પણ કરી ખુલ્લું મુકયું હતું. સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બનાવવામાં આવેલા આ મકાન ગ્રાઉન્ડ પ્લસ ટુની તર્જ પર બનાવવામાં આવ્યું છે.
આ મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર ૨, પ્રથમ માળે ૨ અને બીજા માળે ૨ એમ કુલ છ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રેમ્પ અને ફાયર સેફટીની પણ પુરતી સગવડ કરવામાં આવી છે. રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ અને અન્ય મહાનુભાવોએ નાની ખેરવાણ ખાતે રૂા. ૯ લાખના ખર્ચે નવનિર્મિત આંગણવાડીનું પણ લોકાર્પણ કર્યું હતું.