સમય ક્રાંતિ ન્યૂઝ..
આમ આદમી પાર્ટીના નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 8 લોકો સામે સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ, ધાકધમકી, નાણાં પડાવ્યાંની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ AAP MLA ચૈતર વસાવાએ ફરજ પર હાજર વન વિભાગના અધિકારીનો યુનિફોર્મનો કોલર પકડી બંદૂકથી ફાયરિંગ કરી ડરાવી-ધમકાવી પૈસા પડાવ્યાં છે.
ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મુજબ સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરજાવણ ગામના વતની અને દેડિયાપાડામાં ફરજ બજાવતા વન વિભાગના કર્મચારી શિવરાજ રૂવજીભાઈ ચૌધરીને AAP MLA ચૈતર વસાવા, ચૈતરના પત્ની શકુંતલાબેન, ડુંગરજી ભાંગડાભાઈ વસાવાની બે દિકરીઓ, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવા, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવાની પત્ની, બે અજાણ્યા શખ્સો, ચૈતર વસાવાના PA અને ડુંગરજી ભાંગડાભાઈ વસાવાના જમાઈ આ તમામ લોકોએ ગેરકાયદેસર મંડળી રચીને સરકારી કર્મચારીની ફરજમાં રુકાવટ કરીને મા-બેન સમાણી બીભત્સ ગાળો ભાંડી હતી.
ચૈતર વસાવાએ આ વનકર્મીના યુનિફોર્મનો કોલર પકડી બે લાફા માર્યા હતા અને પોતાની પાસે રહેલી ગેરકાયદેસર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરીને ડરાવીને આરોપીઓ ડુંગરજી ભાંગડાભાઈ વસાવાની બે દિકરીઓ, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવા, રમેશભાઈ ગિમ્બાભાઈ વસાવાની પત્નીએ કપાસના પાકની નુકસાનીની ચુકવણી કરવા ધાકધમકી આપી હતી અને ડુંગરજી ભાંગડાભાઈ વસાવાના જમાઈએ રૂ.60,000 પડાવ્યાં હતા.
દેડિયાપાડા પોલીસે વનકર્મીની ફરિયાદ નોંધી આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.