સમય ક્રાંતિ ન્યૂઝ..
વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના જમાપુર ગામે રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિધાનસભા સીટ વિસ્તારમાં મહિલાઓના આર્થિક વિકાસ માટે સખીમંડળોની બહેનોને કેશક્રેડીટ લોન અને રીવોલ્વીંગ ફંડના ચેક મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા.
માતૃ શક્તિઓઓને વંદન કરતા આદિજાતિ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને યોજનાઓનો પ્રચાર-પ્રસાર થાય તેવી ઉમદા નેમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનું કામ કરી રહ્યા છે. તેમણે નમોદીદી ડ્રોન અને લખપતી દીદી નામની બે યોજનાઓ શરૂ કરી છે. જેનાથી બહેનો આર્થિક રીતે પગભર બની રોજગારી મેળવી શકશે. ૩૩ ટકા અનામત આપણાં વડાપ્રધાનશ્રીએ આપી છે. મહિલાઓના સન્માનની વાત આવે ત્યારે કોઈપણ પરિસ્થિતિમાં તેઓ આપણી વચ્ચે વર્ચ્યુઅલ માધ્યમથી પણ ઉપસ્થિત રહ્યા છે. રાજ્યમાં સ્વસહાય જૂથો ચાલે છે એમાં ૩૩૭૯ બહેનો હેન્ડીક્રાફ્ટ અને વાંસની બનાવટોથી આજીવિકા મેળવે છે. ભારતમાં નારી શક્તિની વંદનાનું ખૂબ મહત્વ છે. અટલજીએ સાચે જ કીધુ હતું કે ભારત ની ભૂમિ વંદનની અને અભિનંદનની ભૂમિ છે. અહીંના કંકર એટલા ભગવાન શંકર છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બહેનો પશુપાલન વ્યવસાયમાં આગળ આવે તે માટે પહેલા ૪૨ હજાર મળતા હતા તે હવે સબસીડી સાથે ૯૦ હજાર મંજૂર કર્યા છે. વધુમાં મંત્રીશ્રીએ લીંબીથી શેરૂલા વચ્ચે જર્જરિત પુલના નિર્માણ માટે રૂા.એક કરોડની જાહેરાત કરી હતી. તેમજ એન્જિનિયર/ડોકટર જેવા ઉચ્ચ અભ્યાસ માટે મારા આદિજાતિ વિભાગમાંથી આદિવાસી દિકરીઓ માટે રૂા.૧૫લાખની સહાય મંજૂર કરી છે. ડોકટરને દવાખાનું બનાવવા માટે ૫૦ ટકા સબસીડી પણ મંજૂર કરી છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં આપણો દેશ વિકસિત દેશોની હરોળમાં આવે તે માટે પ્રયાસ કરવાનો છે. વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા માટે આપણી બહેનો સમાજમાં ૫૦ ટકા હિસ્સો ધરાવી યોગદાન આપે તો જ શક્ય બનશે. આપણાં મુખ્યમંત્રીશ્રીએ ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૧૩ હજારથી વધુ મહિલાઓને રૂા.૨૫૦ કરોડથી વધુની સહાયનું આયોજન કર્યું છે ત્યારે બહેનોની જુદી જુદી પ્રવૃત્તિઓને વેગ મળે અને ગુજરાત અગ્રેસર બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જમાપુર ખાતે નારી શક્તિ વંદના કાર્યક્રમમાં આમલી ગ્રામ સખી સંઘ અને હરી ઓમ ગ્રામ સખી સંઘ સાલૈયાને રૂા.૧૫ લાખ સી.આઈ.એફ, આશા સખી મંડળને રૂા.૨ લાખની ક્રેશ ક્રેડીટ,પ્રિય સખી મંડળને રૂા.૩૦ હજારનું રીવોલ્વીંગ ફંડ તથા ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. જમાપુર પ્રા.શાળાની બાલિકાઓએ પ્રાર્થના,સ્વાગત,આદિવાસી ગીત રજુ કર્યા હતા.સ્થાનિક ગ્રામજનોએ પારંપારિક વાદ્યો સાથે મહાનુભાવોને આવકાર્યા હતા. સરકારશ્રીની યોજનાઓથી આર્થિક વિકાસ કરનાર મહિલાઓએ સાફલ્યગાથા રજુ કરી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી રોહિતભાઈ પટેલ, સમાપુર સરપંચશ્રી સુનિલભાઈ ગામીત,મામલતદારશ્રી સોનગઢ,તાલુકા વિકાસ અધિકારીશ્રી, ડીએલએમ પંકજભાઈ પાટીદાર,વેચ્યાભાઈ ગામીત સહિત પદાધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.