સમય ક્રાંતિ ન્યૂઝ..
ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રીશ્રી
નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની સ્થાપના કરાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@૨૦૪૭ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારે ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે.
‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ એમ બે મુખ્ય પિલ્લર પર આધારિત આ રોડમેપ દ્વારા રાજ્યના લોકોનું જીવન સ્તરને બહેતર અને સર્વોત્તમ બનાવવાનાં અને તેમની સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવવાનાં લક્ષ્યો સાથે રાજ્ય સરકાર આગળ વધવા માંગે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ લક્ષ્યો સુઆયોજિત અને સુવ્યવસ્થિત રીતે સિદ્ધ કરવા માટેની થિંક ટેંક તરીકે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી.
વડાપ્રધાનશ્રીના વિચાર મંત્ર ‘ગ્યાન’ એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસને આધાર બનાવીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ ગુજરાતે કર્યો છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, દેશની જનસંખ્યાના પાંચ ટકા જેટલી વસ્તી ધરાવતા ગુજરાતે ૨૦૨૨-૨૩ના વર્ષમાં જી.ડી.પી.માં ૮.૩ ટકાનું યોગદાન આપ્યું છે. એટલું જ નહીં, દેશની અર્થવ્યવસ્થામાં પણ ગુજરાત ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલરની ઇકોનોમી બનવાની નેમ સાથે આગળ વધી રહ્યું છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પી.એમ. ગતિશક્તિ, આરોગ્ય, નારી ગૌરવનીતિ, શ્રીઅન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી, ડિજિટલ એગ્રીકલ્ચર મિશન, એમ.એસ.એમ.ઈ., અમૃત સરોવર જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં રાજ્ય સરકારની વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટે લેવાઈ રહેલા નક્કર આયોજનો-પગલાંઓની વિસ્તૃત ભૂમિકા આ બેઠકમાં આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડા પ્રધાનશ્રીના દિશા દર્શનમાં આત્મનિર્ભર ભારતથી જ વિકસિત ભારતનો માર્ગ પ્રશસ્ત થઈ શકે અને એ માટે આપણે સામુહિક પ્રયાસોથી એવા નિર્ણયો લેવા જોઈએ તથા એવી નીતિઓ બનાવવી જોઈએ જેથી આપણે વિશ્વના સૌથી મોટા મૅન્યુફેક્ચરિંગ હબ બની શકીએ.
તેમણે એમ પણ કહ્યું કે, આપણા ઉત્પાદનો વૈશ્વિક કક્ષાના હોય અને માત્ર દેશની સપ્લાય ચેઇનનો હિસ્સો ન બની રહે પરંતુ ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પણ મહત્વપૂર્ણ ભાગીદારી કરી શકે.
વડાપ્રધાનશ્રીએ આપેલા આ વિઝન તેમજ વિકસિત ભારત માટે ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાત આગળ ધપાવી રહ્યું છે, તેની વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
તેમણે આ અંગે વધુમાં કહ્યું કે, જાન્યુઆરી-૨૦૨૪માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટમાં ગુજરાતે સેમિકન્ડક્ટર સેક્ટરમાં આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું કદમ ભર્યું છે તેનો લાભ સમગ્ર દેશ અને વિશ્વને થશે. એટલું જ નહીં, ગુજરાતમાં દેશની પ્રથમ સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકસિત ભારત@૨૦૪૭ માટે જરૂરી સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા સેમિકન્ડક્ટર્સ, બ્લોકચેઈન અને એ.આઈ. વગેરે જેવા ભવિષ્યના ક્ષેત્રોમાં આજની યુવા પેઢીને ‘મુખ્યમંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્ય વિકાસ યોજના’ના માધ્યમથી અત્યારથી જ તાલીમબદ્ધ કરવાના પ્રયાસો પર રાજ્ય સરકારે ફોકસ કર્યું છે.
વડાપ્રધાનશ્રીએ આપેલા ગ્રીન ગ્રોથના વિચારને સાકાર કરવાની દિશામાં સોલાર રૂફટૉપ સ્કીમનાં વ્યાપક અમલ અને કચ્છમાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક દ્વારા ગુજરાત તેજ ગતિએ આગળ વધી રહ્યું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
રાજ્ય સરકારે એગ્રીકલ્ચર અને નોન એગ્રીકલ્ચર એમ બન્ને સેક્ટરને સમાન મહત્વ આપ્યું છે. પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વૈશ્વિક નિકાસની માંગને અનુરૂપ બનાવ્યા છે. રાજ્યમાં ૪૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે તેમાંથી ૯ લાખ જેટલા ખેડૂતો ૭ લાખ એકરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેની પણ વિગતો મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે અને હવે તેમના વડાપ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ અગ્રેસર છે તેમાં વિકસિત ભારતનું વડાપ્રધાનશ્રીનું વિઝન પ્રેરણાદાયી બનશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
ગુજરાત વિકસિત ભારતના આ વિઝનને ચરિતાર્થ કરવા સંકલ્પબદ્ધ પ્રયાસો સાથે સહભાગી બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગની આ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આપ્યો હતો.
- ગુજરાતને ૨૦૪૭ સુધીમાં ૩.૫ ટ્રિલિયન યુ.એસ. ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાની નેમ.
- વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર સાથે ગુજરાત@૨૦૪૭ ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે.
- બે મુખ્ય પિલ્લર અર્નિંગ વેલ અને લિવિંગ વેલ પર આધારિત આ રોડમેપથી નાગરિકોની જીવન સ્તરને સર્વોત્તમ અને સમૃદ્ધિને અર્થવ્યવસ્થામાં સહભાગી બનાવીશુ..