સમય ક્રાંતિ ન્યૂઝ..
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન હોનારત બાદ સફાળા જાગેલા સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં ફાયર એનઓસીના અભાવે સંખ્યાબંધ માર્કેટો વિરૂદ્ધ સીલિંગની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન ભાઠેના ખાતે આવેલ મિલેનિયમ માર્કેટ – ૨માં છાશવારે આગ લાગવાની ઘટનાને કારણે ફાયર વિભાગની નોટિસને માર્કેટના સંચાલકો દ્વારા ઘોળીને પી જતાં શનિવારે રાત્રે આ માર્કેટ વિરૂદ્ધ પણ સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, આજે સવારે માર્કેટના વેપારીઓ દ્વારા મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવે તેવી શક્યતાને પગલે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ભાઠેના ખાતે આવેલ મિલેનિયમ માર્કેટ – ૨માં છેલ્લા દોઢ વર્ષમાં ત્રણ વખત આગ લાગવાની (અનુ. પાના ૭ પર)
ઘટનાઓ બની હતી. ગત ૭મી જુનના રોજ પણ છ જેટલી દુકાનોમાં આગ લાગવાની ઘટનાને કારણે ફાયર વિભાગના જવાનો દ્વારા ભારે જહેમત વચ્ચે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.
અલબત્ત, આ ઘટના બાદ ફાયર વિભાગ દ્વારા માર્કેટ વિરૂદ્ધ સિલીંગની કાર્યવાહી ન કરવામાં આવતાં ભારે ચર્ચા ઉઠવા પામી હતી. એક તરફ ફાયર વિભાગે જ આ માર્કેટના સંચાલકોને વેન્ટિલેશન અને ઈલેક્ટ્રીક સહિતના પ્રશ્નો બાબતે પાંચ જેટલી નોટિસ પાઠવી હતી. તેમ છતાં માર્કેટના સંચાલકો દ્વારા આ દિશામાં કોઈ હકારાત્મક અભિગમ ન દાખવતાં અંતે ફાયર વિભાગે માર્કેટનું એનઓસી રદ્દ કરવાની સાથે જ શનિવારે મોડી રાત્રે માર્કેટ સીલ કરતાં વેપારીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. જેને પગલે આજે સવારથી જ માર્કેટની બહાર પોલીસ દ્વારા વેપારીઓના વિરોધ પ્રદર્શનની આશંકાને પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.