કીડનીની ગંભીર બિમારીથી પિડાતા વ્યારાના શ્રી સમીર ચૌધરીની સંપૂર્ણ સારવારનો ખર્ચ સરકારે ઉઠાવ્યો
તાપી જિલ્લમાં વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૧૧૩૮૧ લાભાર્થીઓએ પી.એમ.જે.એ. યોજના હેઠળ રૂ. ૧૫.૩૨ કરોડની શ્રેષ્ઠ સારવાર મેળવી
સમય ક્રાંતિ ન્યૂઝ..
નાગરિકોની સુખાકારીને કેન્દ્રસ્થાને રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્વારા અનેકવિધ યોજનાઓને અમલી બનાવી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ પૈકીની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકો માટે આશિર્વાદ સમાન છે. સામાન્ય પરિવારમાં બિમારી ઘર કરે તથા કુટુંબનો એક પણ વ્યક્તિ બિમાર પડે ત્યારે પરિવારની શારીરિક અને માનસિક સ્થિતિ સાથે આર્થિક સ્થિતિ પણ નબળી પડે છે.
સ્વાભાવિક છે કે, આજે બિમારીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, લોકોની ખાણીપીણીમાં પણ અસાધારણ બદલાવ આવ્યો છે. જો કે સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. પરંતુ બિમારી ટકોર કરીને આવતી નથી. કુટુંબનો કોઈ વ્યક્તિ ગંભીર બિમારીથી પિડાય ત્યારે તાત્કાલિક નાંણાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બને છે. સગાસબંધીઓ પાસે હાથ લંબાવવો પડે છે. સગાસંબંધી ત્વરિત ધોરણે મદદ કરે તેવુ પણ ઘણી વાર બનતુ નથી. આવા સમયે આયુષ્માન ભારત યોજના સામાન્ય પરિવાર માટે આશિર્વાદ સમાન છે.
વ્યારાના આયુષ્માન કાર્ડના લાભાર્થી શ્રી સમીરભાઈ મગનભાઈ ચૌધરી પણ પોતાની આપવીતીમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૬ થી મને કીડનીની સમસ્યા છે, મને અઠવાડિયામાં બે-ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડતુ હતુ. સમય જતા આર્થિક ભારણ વધ્યો અને શરીરની તકલીફ સાથે માનસિક અને આર્થિક ભારણ પણ વધ્યું. એવામાં સરકારની આયુષ્માન ભારત યોજના મારા માટે આશિર્વાદ બની. આયુષ્માન ભારત યોજના અમલી થતાની સાથે વ્યારા સ્થિત જનક હોસ્પિટલમાં મારી મફત અને શ્રેષ્ઠ સારવાર શક્ય બની.
ઉલ્લેખનીય છે કે, શ્રી ચૌધરીને સમયાંતરે સારવાર તેમજ ફોલોઅપ માટે સાતથી આઠ હજારનો ખર્ચ થતો હતો. જે હવે પી.એમ.જે.એ. યોજના હેઠળ એકદમ નિ:શુલ્ક બની વધુમાં આવાગમન માટે રૂ. 300 રૂપિયા ભાડા પેટે પણ ચુકવવામાં આવે છે. આજે આયુષ્માન ભારત યોજનાના કારણે શ્રી ચૌધરી સહિત લાખો લોકોને મફત અને શ્રેષ્ઠ સારવાર હેઠળ નવજીવન મળ્યુ છે.
આયુષ્માન ભારત યોજના થકી લાભાર્થીને રૂ. ૧૦ લાખ સુધીને ગુણવત્તાસભર સારવાર સરકારી સહિત માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં શક્ય બની છે. શ્રી સમીર ચૌધરીએ પોતાની બિમારીમાં સંપૂર્ણ સહકાર અને મફત સારવાર બદલ તાપી જિલ્લા વહીવટી તંત્ર અને સરકારનો આભાર વ્યક્ત કર્યો છે. આજે સમીરભાઈ સહિત લાખો પરિવાર સરકારીની આ આશિર્વાદરૂપી યોજનાના કારણે ખુશખુશાલ અને નિશ્ચિંત જીવન જીવી રહ્યાં છે. સંવેદનશીલ સરકાર આવા જ લાખો ગરીબ અને સામાન્ય પરિવારનો પડછાયો બનીને સાથે ઉભુ છે.
નોધનીય છે કે, તાપી જિલ્લામાં કુલ ૫,૦૦,૪૨૯ લાભાર્થીઓને ગોલ્ડન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.વર્ષ-૨૦૨૩-૨૪ દરમિયાન ૧૧,૩૮૧ લાભાર્થીઓએ ૧૫,૩૨૭૨,૪૭૧/-રૂપીયા( ૧૫.૩૨ કરોડ) ની નિ:શુલ્ક સારવાર મેળવી છે.