સમય ક્રાંતિ ન્યૂઝ..
ડાંગ જિલ્લાના આહવા ખાતે ડાંગ સ્વરાજ આશ્રમ હોલમાં આદિવાસી મહા સભા ગુજરાતના નેજા હેઠળ ડાંગ જિલ્લા આદિવાસી મહા સભા એકમ મારફત જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના જે તે ગામના વન અધિકાર સમિતિનાં પ્રમુખ/મંત્રી અને દાવેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
જેમાં આદિવાસી મહા સભા ગુજરાતના કન્વીનર એડવોકેટ સુનિલ ગામીત દ્વારા માર્ગદર્શન પૂરું પાડતા જણાવેલું હતું કે, તારીખ. ૧૪ મી માર્ચ ૨૦૨૪ ના રોજ કેન્દ્ર સરકારના આદિજાતિ મંત્રાલય અને વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા સાથે મળીને વન અધિકાર કાયદો ૨૦૦૬ હેઠળના મંજૂર થયેલા વ્યક્તિગત અને સામુહિક અધિકારોના અસરકારક અમલવારી થાય અને તેમાં હાઉસિંગ, ખેતી અને આજીવિકાના લાભ આદિવાસી સમુદાય અને અન્ય પારંપારિક વનવાસી પછાત વર્ગના લોકોને મળે તે માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવેલ છે અને તેમાં વ્યક્તિગત દાવા જેને મંજૂર થયેલ છે અને આદેશપત્ર મળેલ છે તેમને (૧) ઘર બાંધવા, શૌચાલય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી જનધન યોજનાનો લાભ આપવાનો રહેશે. (૨) મંજૂર જમીનમાં પશુપાલન અથવા અન્ય ખેતીના હેતુ માટે શેડ કે ગોડાઉન માટેની સુવિધાના લાભ (૩) સિંચાઇ અને પીવાના પાણી માટેના લાભ. (૪) રહેણાંક અને ખેતીના હેતુ માટે લાઈટ કનેકશનનો લાભ (૫) અન્ય સામાન્ય ખાતેદારો જે રેવન્યુ જમીન ધરાવે છે અને જે અધિકારો તેમને મળેલ છે જેવા કે, માલિકીનો અધિકાર, જમીન પર લોન અને ધિરાણ મેળવવું, જામીન પર છોડાવવા વગેરે માટે તેવા જ લાભ મંજૂર થયેલ વ્યક્તિગત દાવેદારને મળી શકશે. આ ઉપરાંત સામૂહિક અધિકારોના અમલવારી માટે પણ તેમાં જે ગાઈડ લાઈન બહાર પાડેલ છે તે બાબતે લહાનુંભાઈ દળવી દ્વારા વિગતે સમજણ પૂરી પાડી હતી અને આ મીટિંગમાં અન્ય ઉપસ્થિત સક્રિય આગેવાનો દ્વારા પેન્ડીંગ કેસોના નિકાલ માટે શું પ્રક્રિયા ચાલી રહી છે અને શું દાવેદાર તરફથી કરવાની જરૂર છે તેના વિશે વિગતે સમજણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું. આમ આ સભા સફળ રહી હતી. જેમાં આવનાર દિવસોમાં આ પરિપત્રના આધારે લોકોને તમામ પ્રકારના લાભો પ્રાપ્ત થાય તે માટે આવનાર દિવસોમાં જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવનાર છે. જે મીટિંગમાં સક્રિય આગેવાનો એવા પસ્તીયાભાઈ બાગુલ, કાળીદાસભાઈ પવાર, ચંદ્રયાભાઈ પવાર, કાશીરામભાઈ મુંડકર, સનતભાઈ પવાર, મંગળભાઈ બરડે, મનુભાઈ કુંવર, મનુભાઈ રાઉત વગેરે આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.