સમય ક્રાંતિ ન્યૂઝ..
ભારતીય ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મોટી જવાબદારી મળી છે. IPL ની 2025 સીઝન પહેલા દ્રવિડ રાજસ્થાન રોયલ્સ (RR) ના મુખ્ય કોચ બન્યા છે. રાહુલ દ્રવિડ આ વર્ષે જૂનમાં ટી20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમના મુખ્ય કોચ હતા.
ESPNcricinfo’ના અહેવાલ મુજબ દ્રવિડે તાજેતરમાં જ ફ્રેન્ચાઇઝી સાથે કરાર કર્યો છે. દ્રવિડે આગામી મેગા ઓક્શન પહેલા ખેલાડીઓને જાળવી રાખવા અંગે પ્રારંભિક વાતચીત કરી છે. અંડર-19 યુગથી દ્રવિડનો રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન સાથે લાંબા સમયથી પ્રોફેશનલ રિલેશન છે.
રાજસ્થાન રોયલ્સ સાથે દ્રવિડનો લાંબો ઈતિહાસ છે. દ્રવિડ IPL 2012 અને 2013 માં રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો અને 2014 અને 2015 IPL સિઝનમાં ટીમ ડિરેક્ટર અને મેન્ટર તરીકે સેવા આપી હતી. 2016 માં દ્રવિડ દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ) માં ગયો હતો.
2019માં રાહુલ દ્રવિડ બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ બન્યા હતા. 2021માં ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચની જવાબદારી સોંપાઈ હતી. ત્રણ વર્ષ દરમિયાન દ્રવિડે ભારતીય ટીમને ડબ્લ્યુટીસી ફાઈનલ 2021 અને 2023, વનડે વર્લ્ડકપ 2023ની ફાઈનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 29 જૂન 2024ના દિવસે તેમના કોચિંગ હેઠળ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ ચેમ્પિયન બની હતી.
રાજસ્થાન 2008થી આઈપીએલના ખિતાબની રાહ જોઈ રહ્યું છે
રાજસ્થાન રોયલ્સ 2008માં આઈપીએલની શરૂઆતની સીઝનથી આ લીગનું ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. 2022 માં, સંજુ સેમસનની કપ્તાની હેઠળ ટીમ રનર અપ હતી, તે સિઝન ગુજરાત ટાઇટન્સે જીતી હતી. 2023 માં રાજસ્થાનની ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી. સિઝનની શાનદાર શરૂઆત છતાં ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને હતી. જ્યારે 2024માં રાજસ્થાનની ટીમ ક્વોલિફાયર 2માંથી બહાર થઈ ગઈ હતી.