સમય ક્રાંતિ ન્યૂઝ..
Surat શહેરમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ સુરત જિલ્લા અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના લીધે શહેરમાંથી પસાર થતી ખાડીઓ છલકાઈ ગઈ છે. તેના લીધે ખાડી આસપાસના શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. સુરતમાં સર્જાયેલા ખાડી પૂરના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે.
સુરતના પર્વત પાટિયાથી ગોડાદરા સુધીના રોડના દ્રશ્યો બિહામણા સાબિત થઈ રહ્યા છે. રસ્તાની બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. કમર સુધીના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે. માધવબાગ, કૃષિવિહાર, નંદનવન, વ્રજભૂમિ, શ્રી વર્ધન, સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે.
કાપડના વેપારીથી લઈને જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા લોકો આજે પોતાના વ્યવસાયે સ્થળે જઈ શક્યા નહોતા. આ વિસ્તારમાં લગભગ 5000 જેટલા ઘરના 15થી 20,000 લોકો પાણી વચ્ચે કેદ થયા છે. બાળકો ત્રણ દિવસથી શાળાએ પણ જઈ શક્યા નથી.
આજે સવારે સુરત શહેરમાંથી પસાર થતી વિવિધ ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીની લગોલગ પહોંચી ગયું હતું. કાકરા ખાડીની ભયજનક સપાટી 8.48 મીટર છે અને તે હાલ 6.45 મીટરની સપાટીએ વહી રહી છે. ભેદવાદ ખાડી 6.7 મીટર, મીઠીખાડી 8.65 મીટર, ભાઠેના ખાડી 6.45 મીટર, સીમાડા ખાડી 4.5 મીટરે વહી રહી છે. સીમાડા ખાડી તેની ભયજનક સપાટી 4.5 મીટરની લગોલગ પહોંચી છે.