જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ડોર ટુ ડોર મતદાન જાગૃતિ અભિયાનની સરાહનીય પહેલ
શતાયુ મતદારોએ પુરા પરિવાર સાથે મતદાન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો
સમય ક્રાંતિ ન્યૂઝ..
તાપી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ડૉ. વિપિન ગર્ગે વ્યારા તાલુકાના ઉમરકૂઇ ગામના સતાયુ મતદાર શ્રીમતી ચાપલીબેન કીકાભાઇ ચૌધરીની મુલાકાત લઈને તેમનું શાલ ઓઢાડીને તેમજ પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ આજરોજ ડોર ટુ ડોર કેમ્પેઈનમાં જોડાઈને ૧૦૦ વર્ષથી વધુ વયના શતાયુ મતદારોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. શતાયુ મતદારોએ પણ પુરા પરિવાર સાથે મતદાન કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા ચૂંટણી તંત્રની આ ઉમદા પહેલનો એકમાત્ર આશય આગામી યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માં જિલ્લાના પ્રત્યેક નાગરિકોની સહભાગીદારી વધારવાની તેમજ લોકશાહીના પર્વને સફળ બનાવવાનો છે. તાપી જિલ્લામાં ચૂંટણીલક્ષી અનેકવિધ સ્વીપ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. જેમાં જિલ્લામાં મતદાન કરવા સક્ષમ નવા મતદારો, યુવાનો, મહિલાઓ, દિવ્યાંગો, સિનિયર સિટિજન તથા શતાયુ મતદાતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મતદાનમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવાના ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, 23 બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતવિસ્તારમાંથી 171 વ્યારા અને 172 નિઝર એમ બે વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ તાપી થાય છે. તાપી જિલ્લામાં સમાવિષ્ટ આ બંને વિધાનસભા મતવિસ્તારના નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગર્ગ સહિતના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓએ પણ ૧૦૦ વર્ષથી વધુ વયના શતાયુ મતદારોને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરીને ચૂંટણી પર્વમાં સતત પોતાની ફરજ અદા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.