સમય ક્રાંતિ ન્યૂઝ..
માંડળ, કિકાકૂઇ અને ઉખલદા ગામે ગંગાસ્વરૂપા બહેનોને સાડી વિતરણ કરી
રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ નિમિત્તે માંડળ, કિકાકૂઇ અને ઉખલદા ગામે ઉપસ્થિત રહ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે ૩૫ ગંગાસ્વરૂપા બહેનોને સાડીનું વિતરણ કરી માનવતાને મહેકાવવાનું કામ કર્યું હતું.
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત માંડળ, કિકાકૂઇ અને ઉખલદા ગામે બાળકોને શાળા પ્રવેશ કરાવવા માટે આવેલા રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિનું પોતાના સમાજ પ્રત્યેની સંવેદના સામે આવી હતી. રાજયમંત્રીએ માંડળ, કિકાકૂઇ અને ઉખલદા ગામે ગામની ગંગાસ્વરૂપા બહેનો પ્રત્યે દાખવેલી સંવેદના સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.
રાજયમંત્રીએ સૌપ્રથમ આ બહેનોના ખબર અંતર પુછયા હતા. ત્યારબાદ તેમણે ઉપસ્થિત ગંગાસ્વરૂપા બહેનોને સાડી ભેટ આપી પરિવારના મોભી તરીકેની પોતાની જવાબદારી અદા કરી હતી.
આ ઉપરાંત મંત્રી હળપતિએ શાળામાં ભણતા બાળકો માટે પણ દફતર બેગ, નોટબુક, બોલપેન તથા પેન્સિલ સહિતની શિક્ષણ માટે ઉપયોગી કીટ બનાવી બાળકોને ભેટ આપી હતી. તેમણે સૌ બાળકો નિયમિત રીતે શાળાએ જઇ પુરતું અને ગુણવત્તાયુક શિક્ષણ મેળવે એવી અપેક્ષા પણ આ વેળાએ વ્યકત કરી હતી.